ભારતના જંગલ વિસ્તારમાં વસેલા ગામડામાં હિંસક પ્રાણીની અવરજવર વધી રહી છે. જંગલોમાં ઝાડના આડેધડ નિકંદન બાદ પ્રાણીઓ શિકારની શોધમાં અનેકવાર ગામ અને નગરોમાં આવી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ પ્રકારની ઘટના વારંવાર બની રહી છે. હાલમાં મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પોતાની પાંચ વર્ષની પુત્રીને હિંસક પ્રાણી દિપડાની ચુંગાલમાંથી બચાવવા માતાએ બાથ ભીડી હતી. આ બહાદુર માતાએ દીપડાના જડબામાં દબાયેલી પુત્રીને બચાવવા લાકડીના ફટકા દીપડાના મોઢા પર જ માર્યા હતા. માતાની આક્રમકતા સામે આખરે એક દીપડાએ પણ નમતુ મુકી દઈ તે બાળકીને છોડી ચાલ્યો ગયો હતો.
ઘટના અંગે સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મહિલા નામે અર્ચના મશરામ તેની 5 વર્ષની પુત્રી પ્રજાક્તા સાથે રહે છે. દરમિયાનમાં આ મહિલા જંગલી શાકભાજી લેવા માટે ચંદ્રપુરના જુનોના ગામ પાસેના એક નાળા નજીક ગઈ હતી. આ સમયે તે શાકભાજી તોડી રહી હતી અને તેણે તેની પુત્રી પ્રજાકતાને થોડે દૂર ઉભી રાખી હતી. આ સમયે ત્યાં ધસી આવેલા દિપડાએ અચાનક બાળકી પર હુમલો કરી દીધો હતો. શિકારની ખેવના રાખતા આ દીપડાએ બાળકીના માથાને જડબામાં ફસાવી લીધુ હતુ. જો કે, બરાબર આ જ સમયે માતા અર્ચના મશારામની નજર દીપડા પર પડી હતી. સૌપ્રથમ તો આ દ્રશ્ય જોઈ તે હેબતાઈ ગઈ હતી. પરંતુ પોતાની વ્હાલીસોયી દીકરી દીપડાના જડબામાં જોઈને તેણીએ પોતાને સંભાળી તરત જ દીપડા તરફ દોડી હતી.
દરમિયાન તેને એક લાકડાનો ટુકડો નજીકમાં જ મળી જતાં તે ઉપાડીને તેણીએ દીપડાના મોઢા પર ફટકા મારીને પોતાની દીકરીને છોડાવવા પ્રયાસો ચાલુ કરી દીધા હતા. જયારે લાકડાના ફટકા વારંવાર દીપડાના જડબાના ભાગે વાગતા દીપડાએ બાળકીને છોડી દઈ મહિલા પર હુમલો કર્યો હતો. મહિલા પણ આક્રમક હોવાથી તેણીએ પોતાની જાતને દીપડાથી બચાવવા કવાયત આદરી હતી. તેથી દીપડાએ ફરી મહિલાનું ધ્યાન હટાવીને બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીને ઉંચકીને ફરી આ દીપડો આગળ જવા માંડ્યો હતો. પરંતુ આમ છતાં મહિલાએ હિંમ્મત હાર્યા વગર દીપડાની પાછળ દોડી ફરી તેના પર લાકડાથી પ્રહારો શરુ કરી દીધા હતા. આખરે મહિલાની આક્રમકતા સામે દીપડાએ પણ હાર માની લીધી અને બાળકીને ત્યાં છોડી જંગલ તરફ ભાગી ગયો હતો. આ ઘટનામાં દીપડાના હુમલાને કારણે બાળકીને ચહેરા અને માથા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ પોતાની બેભાન પુત્રીને લઈને આ મહિલા હોસ્પિટલમાં પહોંચી હતી. પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્ત બાળકીને નાગપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં હાલ તેની સારવાર ચાલી રહી છે.