સરકાર સામે છાશવારે અવાજ ઉઠાવતા ઉદ્યોગપતિ જેક માને સરકારે સાણસામાં લેવાની તૈયારી બે મહિનાથી શરૂ કરી દીધી છે. બે મહિનાથી કયાંક ગાયબ જેક માને ચીની સરકારે જ નજરકેદ કર્યા હોવાની આશંકા પણ છે. દરમિયાન ચીની સરકારે જેક માની કંપની અલીબાબા અને એન્ટ ગ્રૂપનું રાષ્ટ્રીયકરણ કરવાનું વિચારવા માંડયું છે. ગત ૨૪ ઓક્ટોબરે જેક માએ ચીનના નોકરશાહી તંત્રની ટીકા કરી હતી. જેમાં જેક માએ ચીનના નાણાકીય નિયામકો અને સરકારી બેંકોના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ ઈકોમર્સ કંપનીના સ્થાપક અને હાલના સીઈઓ પણ છે. શાંઘાઈમાં આપેલાં ભાષણમાં જેક માએ સરકારને એવી પણ અપીલ કરી હતી કે તેઓ સિસ્ટમમાં બદલાવ કરે. કેટલાક સમયથી સરકાર કારોબારીઓને દબાવવા પ્રયાસ કરી રહ્યાનો આરોપ પણ તેમણે મુક્યો હતો. જેક મા એમ માનતા હતા કે તેઓ દેશના અગ્રણી ઉદ્યોગપતિ છે. અને દુનિયાના ધનવાનોની યાદીમાં પણ તેનું નામ સામેલ છે.
તેથી સરકાર તેમને કશુ કરશે નહીં. પરંતુ ચીનની સામ્યવાદી સરકારે જેક માના ભાષણ બાદ આક્રમક વલણ અપનાવ્યું હતુ. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી જેક મા પર નારાજ થઈ ગઈ હતી અને તે પછીથી જેક મા રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગયા છે. સરકારે જેક માના એન્ટ ગ્રૂપ સહિત અનેક કારોબારો પર પ્રતિબંધો મુકી દીધા છે. આ કાર્યવાહી બાદ જ જેક મા સાર્વજનિક સ્થળો પર દેખાતા નથી. સરકારે તેની ધરપકડ કરી હોવાની અથવા તો તેમને નજરકેદમાં રાખ્યા હોવાની આશંકા પણ ઉઠી છે. ઈન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સે તેના અહેવાલમાં નોંધ્યું હતુ કે, હાલના દિવસોમાં માર્કેટ રેગ્યુલેશન માટે રાજ્ય પ્રશાસન દ્વારા કરાયેલી અપીલ બાદ ચીન સત્તાધીશોએ અલીબાબાની તપાસ શરૂ કરી હતી. ચીન દેશના ઈન્ટરનેટ સેક્ટરના પ્રભાવની તપાસ કરી રહ્યું હોય તેવા સમયે જ એન્ટ સમૂહ અને અલીબાબાની તપાસથી ખળભળાટ મચી ગયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચીની સરકાર અલીબાબા તથા એન્ટ ગ્રુપનું રાષ્ટ્રીયકરણ કરવાની દીશામાં વિચારણા કરી રહી છે.