બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારથી દુનિયાભરમાં ચકચાર મચી ગઈ છે. દુનિયાના 12થી વધુ દેશોએ બ્રિટન સાથેની હવાઈ અવરજવર પર અટકાવી દીધી છે. જો કે, દુનિયાના દેશો આ પ્રતિબંધ લાદે તે પહેલાં નવો કોરોના વાયરસ પાંચ દેશ સુધી પહોચી ગયો હોવાનું મનાય રહ્યું છે. અલબત, કોરોના વાયરસનો આ નવો પ્રકાર હોય, તેમ છતાં કેટલાક દેશોએ તે વાયરસ પહેલાથી જ પોતાના દેશમાં હોવાનો તર્ક પણ રજૂ કર્યો છે.
મીડિયાના અહેવાલમાં નોંધાયું છે કે, લંડનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે. લંડન અને ઇંગ્લેન્ડના દક્ષિણ પૂર્વમાં 60 ટકા કેસ નવા સ્ટ્રેનના જ ગણાવામાં આવી રહ્યા છે.
તેથી બ્રિટનમાં કડક નિયંત્રણો લાદી દેવાયા છે. બ્રિટનનો એક પ્રવાસે રોમ પહોંચ્યા બાદ ઇટાલીમાં નવો કોરોના વાયરસ જોવા મળ્યો છે. જેને પગલે ફ્રાન્સમાં સરકાર એલર્ટ થઈ હતી. તેમણે લોકોને નવા વાયરસ અંગે ચેતવણી પણ જારી કરી દીધી હતી.
આ સાથે જ ફ્રાન્સે બ્રિટન સાથેની અવરજવર બંધ કરી દીધી હતી.
જો કે, ફ્રાન્સ માની રહ્યું છે કે, કદાચ નવો કોરોના વાયરસ તેમના ત્યાં પણ પહોંચી ચુક્યો છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રીએ કહ્યું હતુ કે સંપૂર્ણ રીતે સંભવ છે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ફ્રાન્સમાં ફેલાઈ ચુક્યો છે.
ભલે ટેસ્ટમાં આની પુષ્ટિ નથી થઈ. બ્રિટન તેમજ ડેનમાર્ક, નેધરલેન્ડ, ઑસ્ટ્રેલિયા અને ઇટાલીમાં નવા કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. મ્યૂટેશનના લીધે ઉત્પન્ન થતાં નવા કોરોના વાયરસને વધુ ચેપી ગણાવામાં આવી રહ્યો છે. બ્રિટનમાં કેસોનું વધવું પણ આ વાયરસને કારણે જ થયું છે. નવો કોરોના વાયરસ 70 ટકા જેટલો ચેપી હોવાનું નિષ્ણાતો માને છે. નવેમ્બરમાં જ ડેનમાર્કમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 9 કેસ મળી આવ્યા હતા અને એક કેસ ઑસ્ટ્રેલિયામાં જોવા મળ્યો હતો. નેધરલેન્ડ્સે પણ આ મહિને તેમના ત્યાં કોરોના વાયરસનું નવું સ્ટ્રેન જોવા મળ્યાનું સ્વીકાર્યું છે.