ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા આજે એક કરોડને આંબી ગઈ હતી. જો કે, છેલ્લાં કેટલાંક સપ્તાહથી ભારતમાં કોરોનાની ગતિ ધીમી પડી છે. રોજ નોંધાતા સરેરાશ કેસની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાવા ઉપરાંત સાજા થવાનો દર વધી રહ્યો હોવાથી સરકારની ચિંતા થોડી હળવી થઈ છે. સાજા થનાર લોકોની કુલ સંખ્યા એક્ટિવ કેસો કરતાં અંદાજે 30 ટકા વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અહેવાલમાં દાવો કરાયો છે કે, દેશમાં છેલ્લાં કેટલાંક સપ્તાહમાં કોરોના વાયરસના સરેરાશ દૈનિક કેસમાં ઘટાડો થયો છે. જો કે ભારતમાં હજુ પણ કોરોનાના 3 લાખથી વધુ એક્ટિવ કેસ હોય, તમામ સતર્કતા રખાઈ રહી છે.
ભારતમાં આજની સ્થિતિએ રિકવરી રેટ વધ્યો છે. સરકારી ચોપડે કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો દર 95 ટકાથી વધુ છે. તેથી ભારત હવે એ દેશોમાં સામેલ થયો છે જ્યાં રિકવરી રેટ વધુ છે. આરોગ્ય ખાતાના મતે દરરોજ સાજા થનાર લોકોની સંખ્યા સંક્રમિતોની સંખ્યા કરતાં વધુ નોંધાઈ રહી છે. પરિણામે એક્ટિવ કેસનો ગ્રાફ સતત નીચે જઇ રહ્યો છે.