ભારતમાં સરકાર બદલાતી રહેતી હોય પરંતુ કચેરીઓના કામકાજની ઢબ બદલાતી નથી. સામાન્ય વ્યક્તિ પાસે લાંચ માંગવી કે તેને ધરમધક્કા ખવડાવવા જેવી ઘટનાઓનો સિલસિલો વર્ષો પછી પણ ચાલુ જ રહ્યો છે. આ ઉપરાંત અંધેર વહિવટનો તો કોઈ જોટો જડે તેમ જ નથી. હાલમાં મુંબઈમાં સામે બનેલા એક કિસ્સામાં એક વ્યક્તિને કરોડો રૂપિયાનું વીજબિલ પધરાવી દેવાતા બીલની રકમ જોઈને વૃદ્ધ વ્યક્તિની તબિયત કથળી ગઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વસઈ વિસ્તારમાં રહેતા ગણપત નાઈકને વીજબિલ મળતાં જ તેનું બ્લડ પ્રેસર વધી ગયુ હતુ. કારણ કે, તેમના ઘરનું વીજબીલ કરોડો રૂપિયામાં આંકવામાં આવ્યું હતું. મિલ ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવે છે.
વીજ કંપનીના બીલમાં અધધ 80,13,89,006 રૂપિયા દર્શાવાયા હતા. લોકડાઉનથી જ ગણપત નાઈકનો ધંધો બંધ હતો અને તેમ છતાં મસમોટુ બિલ આવતા ગણપત નાઈક કાંઈ સમજી શક્યા ન હતા. આવા સંજોગોમાં વીજકંપની સામે લડાઈ લડવી પડે તેમ હતુ. આ વિચારો સાથે જ તેમની તબિયત ખરાબ થઇ ગઈ હતી. ઘટના બાદ ગણપત નાઈકે કહ્યું હતુ કે, દર મહીને સૌથી વધારેમાં વધારે સરેરાશ વીજબીલ 54 હજાર આવે છે. લોકડાઉનમાં તો મિલ બંધ હતી. જે પછી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાનું વીજબીલ આવ્યું તો તે કરોડોમાં આવ્યું છે. વીજબીલ આપતા પહેલા વીજકંપનીને કોઈ વિચાર આવ્યો નથી. બીજી તરફ વીજકંપનીના એડિશનલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરેન્દ્ર મૂંગારેનો મીડિયાએ સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, આ ભૂલ વીજ મીટરની રીડીંગ લેનારી કંપની તરફથી થઇ છે. આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ એજન્સીએ 6 અંકના બદલે 9 અંકનું બીજ બીલ બનાવી દીધું છે. આ વિશે તપાસ કરીને જલ્દીથી જ યોગ્ય કાર્યવાહી કરાશે.