ભારત સાથે સરહદે સંઘર્ષ કરી રહેલા ચીને હવે સાયબર એટેક થકી ભારતીયોને નિશાન બનાવવા કવાયત શરૃ કરી છે. ચીની હેકર્સ હાલમાં WhatsApp પરથી મેસેજ મોકલે છે. જેનો નંબર તદન અજાણ્યો હોય છે. આ સંદેશામાં હેકર્સ લોકોને ઘરે બેઠાં પાર્ટ જોબ કરવાની તક આપી રહ્યાની ઓફર કરતા હોય છે. કોરોના બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં આર્થિક સંકટ પણ આવ્યું છે. તેથી લોકો જોબ મેળવવા લલચાય જાય તો ફસાય જાય છે. સૌથી મહત્વનો સવાલ એવો છે કે, આવા મેસેજ મોકલનારને તમારો નંબર કોણે આપ્યો, તે તમારો પરિચિત વ્યક્તિ છે કે કેમ. તમે તેને જાણતા જ નથી તો પછી મેસેજ કેમ મોકલે છે. ખેર વાત જે હોય તે પણ જો તમને પણ આવા મેસેજ મળતાં હોય તો સાવધાન થઈ જજો. કેમ કે, ચીની હેકર્સ દ્વારા ભારતીય યુઝર્સને પાર્ટ ટાઈમ જોબની લાલચ આપીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં દિલ્હીની સાયબરસ્પેસ ફાઉન્ડેશને ભારતીય યુઝર્સને વોટ્સએપર અજાણ્યા નંબરથી આવતા જોબ ઓફરના મેસેજથી સાવધાર રહેવા જણાવ્યું છે. દિલ્હીની સાયબરસ્પેસ ફાઉન્ડેશને જણાવ્યું છે કે, હાલમાં યુઝર્સને મળી રહેલાં વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવે છે કે ઘરે બેઠાં માત્ર 10થી 30 મિનિટ સુધી કામ કરીને તમે દિવસનાં 200-300 રૂપિયા કમાઈ શકો છો. આ માટે એક લિંક પર ક્લિક કરવાનું કહેવાય છે. આ લિંક તમને એક વેબસાઈટ પર લઈ જાય છે. આ લિંક ચીનના અલીબાબા ક્લાઉડ સાથે સંબંધિત છે. જ્યારે તમે લિંક પર ક્લિક કરો છો તો તમને ચાઈનીઝ ભાષામાં એક એરર કોડ મળે છે. તેનું ડોમેન નેમ ચીનમાં રજિસ્ટર્ડ છે. તે અલીબાબા ક્લાઉડ, હોંગકોંગ અને ચીનમાં ટ્રેસ થયું છે. તેથી તમારી સાથે સાયબર ફ્રોડ થઈ જાય તેવી શકયતા વધુ રહે છે. આવાં મેસેજ મળે તો તેને તાત્કાલિક ડિલિટી કરવું હિતાવહ છે.