ખેડૂતો નવા કૃષિ કાયદા સામે સાત મહિનાથી આંદોલન કરી રહ્યા છે. દિલ્હીના સિમાડે ખેડૂતો ડેરાતંબુ તાણીને બેઠા છે. વિરોધ પ્રદર્શન શરૂ થયાને સાત મહિના થઇ રહ્યા છે. પરંતુ હજુ સરકાર મંત્રણા પણ કરતી નથી અને ખેડૂતોને થઇ રહેલા નુકશાન અંગે ખાસ ચિંતા નથી, ત્યારે સરકારને આ મુદ્દે નિર્ણયાત્મક સ્થિતિમાં મૂકવા માટે ખેડૂત સંગઠનોએ 22 જુલાઇથી સંસદને ઘેરાવ કરવાની યોજના ઘડી કાઢી છે.
સંયુક્ત કિસાન મોરચાએ ચોમાસુ સત્ર દરમ્યાન સંસદ સામે વિરોધ પ્રદર્શન કરવાની યોજના ઘડી છે. મોદી સરકાર ખેડૂત આંદોલન સમેટાય એ દિશામાં ખાસ અસરકારક પગલાં ભરી રહી નથી, ત્યારે ખેડૂત સંગઠનોએ વિપક્ષને પણ ચેતવણી આપી છે. સંસદમાં ખેડૂતોનો અવાજ ઉઠાવો નહીંતર રાજીનામા આપો એવી માંગણી કરી છે. ઉપરાંત આજકાલ ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે, ત્યારે ખેડૂતો ઉપર પણ તેની અસર પડી છે. આ સંજોગોમાં 8 જુલાઇએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ વધારા સામે પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનું ખેડૂતો આયોજન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ લોકોને 8મીએ સવારે 10 થી 12 દરમ્યાન પોતાના વાહનો લઇને સ્ટેટ તથા નેશનલ હાઇવે ઉપર આવી ત્યાં વાહનો પાર્ક કરી વિરોધ દર્શાવવા માટે હાકલ કરી છે.
સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ વિવિધ ખેડૂત સંગઠનો એક થઇને કૃષિ કાયદાનો ગયા વર્ષથી વિરોધ કરી રહ્યા છે. 2020ના નવેમ્બર મહિનાથી દિલ્હીના ભાગોળે ખેડૂતો એકત્ર થઇને આંદોલન કરી રહ્યા છે. સાત મહિનાથી ચાલતા આ આંદોલનના સૂત્રધારોએ હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ચોમાસુ સત્ર શરૂ થાય તેના બે દિવસ પહેલાં ગૃહમાં કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે તમામ વિપક્ષી સાંસદોને ચેતવણી પત્ર આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
ખેડૂત સંગઠનોનું આયોજન એવું છે કે વિપક્ષી સાંસદો દરરોજ ગૃહમાં ખેડૂત આંદોલનનો મુદ્દો ઉઠાવે તો બીજી તરફ સંસદ બહાર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે. યાદ રહે કે 19 જુલાઇથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઇ રહ્યું છે. આ વખતે ખેડૂતોનો મિજાજ વધુ ઉગ્ર બન્યો છે. જો કે તેઓ સંસદમાં જઇ શકે એમ નથી, ત્યારે વિપક્ષ તેમના પ્રશ્ને ગૃહ ગજાવીને સંસદનું કામ ઠપ્પ કરી દે એવી ખેડૂતોને આશા છે. સંસદની બહાર ઘેરાવ કરવા સહિતના કાર્યક્રમો પણ યોજવાનો તેમનો વ્યુહ છે. મોરચામાં એક બે નહીં 40 ખેડૂત સંગઠનો જોડાયા છે, ત્યારે દરેક સંગઠનોના પાંચ ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં જોડાય એવું આયોજન કરાયું છે.