દર વર્ષે દિવાળીમાં શિક્ષક અભિષેક કંસારા શહેરના જરૂરિયાતમંદોને શિક્ષણ આપવાની સાથે તેમના ચહેરા પર સ્મિત લાવે છે
શહેરના અભિષેક કંસારા વ્યવસાયે એક શિક્ષક છે અને તેઓ શિક્ષણ લેવુ તે દરેકનો અધિકાર છે તે વાતને સાર્થક કરવા માટે તત્પર રહે છે. અભિષેક જરૂરિયાતમંદ લોકોને ભણતર પૂરુ પાડવાનો પુરતો પ્રયાસ કરે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત લાવવા માટેના પણ કાર્યો કરે છે. દર વર્ષે તેઓ દિવાળીમાં શહેરના વિવિધ જરૂરિયાતમંદોને રૂબરુ મળીને તેમને ફૂડ પેકેટ્સનું વિતરણ કરે છે. તેની સાથે જરૂરિયાતમંદ બાળકોને ભણવા માટે પ્રેરિત પણ કરે છે. દિવાળી દરેક જરૂરિયાતમંદની સાર્થક બને તે અર્થે છેલ્લા પાંચ વર્ષથી તેમની સાથે ફટાકડા ફોડીને મીઠાઈનું વિતરણ કરીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરે છે.
દિવ્યાંગો દ્વારા તૈયાર કરેલ ડેકોરેટીવ વસ્તુઓના વેચાણમાંથી આવતી રકમ તેમના માટે જ ઉપયોગમાં લેવાય છે
દિવ્યાંગ બાળકોની દિવાળી સાર્થક કરવા માટે દિવ્યાંગજનો દ્વારા તૈયાર કરવામાં આવેલ ડેકોરેટીવ વસ્તુઓનું દર વર્ષે એક્ઝિબિશન યોજવામાં આવે છે. ઉત્થાન તાલીમ કેન્દ્ર દ્વારા દિવ્યાંગ બાળકોને વિવિધ પ્રોડક્ટ્સ બનાવવાની તાલીમ આપવામાં આવે છે અને તેમના દ્વારા બનાવવામાં આવેલ પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન યોજીને તેમાંથી થતી આવકને દિવ્યાંગોના કામ માટે જ ઉપયોગમાં લેવાય છે. આ એક્ઝિબિશનમાં દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ માટીના દિવા, કાચના દિવા, ફેન્સી દિવા, માટીના રમકડાં, સુશોભિત તોરણ, કી-ચેન, હેન્ડ મેડ ગ્રીટીંગ કાર્ડ, ફેન્સી પેપરબેગ, ફેન્સી કવરને પ્રદર્શિત કરવામાં આવે છે.