કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ હતું કે, સરકાર કોરોના રોગચાળાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને ફરી બેઠું કરી ધમધમતુ કરવા પ્રયાસરત છે. 2021-22નું બજેટ 1 ફેબ્રુઆરી, 2021ના રોજ સંસદમાં રજૂ કરાશે. વિકાસના માર્ગે આગળ વધવા માટે, રોગચાળાથી મુક્તિ મેળવવા પ્રયાસોની જરૂર છે. મંત્રીએ આ માટે લોકોને પ્રતિક્રિયા મોકલવા અપીલ કરી છે. સીઆઈઆઈ CII પાર્ટનરશિપ સમિટ 2020 ને સંબોધન કરતા નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યુ હતું કે, અર્થવ્યવસ્થાની ગાડીને ફરીથી પાટા પર લાવવા જરૂર પ્રયત્નો હાથ ધરાશે. આ તમામ પ્રયત્નોથી ભારત વૈશ્વિક વિકાસનું એન્જિન બનશે. ભારતના વિકાસની ગતિનું એન્જિન બની શકે તેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવું પડશે.
ઉપરાંત નવી માંગનું કેન્દ્ર બની શકે તેવા તમામ પાસા અને ક્ષેત્રનો વિકાસ કરવો પડશે. આરોગ્ય, તબીબી સંશોધન અને વિકાસ અને ટેલિમેડિસિન માટે વધુ સારી કુશળતા વિકસાવવી આવશ્યક છે. ભારતમાં આજે રોજગાર સામે લોકડાઉન બાદ અનેક પડકારો આવીને ઉભા થયા છે. જેને નવા દ્રષ્ટિકોણથી જોવું પડશે. આ સાથે વ્યવસાયિક તાલીમ અને કૌશલ્ય વિકાસ મહત્વના પાસા છે. સીતારમણે ઉમેર્યું હતુ કે, નાગરિકોના અભિપ્રાય અમારા માટે મહત્વના છે. જેને આધારે બજેટ કેવુ આપવુ તે દીશામાં કામગીરી કરી શકાય. ભારતમાં 100 વર્ષ પછી આવુ બજેટ હવે રોગચાળા પછી દેશને મળશે. મારા માટે આવા બજેટનો મુસદ્દો તૈયાર કરવો મુશ્કેલ છે. પરંતુ રોગચાળા પછી તે માટે અમે સતત મહેનત કરી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે લોકોને આ બજેટથી વધારે અપેક્ષા છે. 2021-22 માટેનું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી 2021ના રોજ સંસદમાં રજૂ થાય તે માટે મંત્રાલય કટિબદ્ધ છે. કોરોનાના કારણે જેને સીધી અસર થઇ છે તે તમામ ક્ષેત્રોને ફરી ધમધમતા કરવા સરકારની પ્રાથમિકા રહેશે.