પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર છે. મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક પરથી ઝંપલાવતા આ મતવિસ્તાર માટે ભાજપે પણ મરણીયા પ્રયાસો શરૃ કરી દીધા છે. દરમિયાન ટીએમસી છોડીને બે મહિના પહેલા જ ભાજપમાં જોડાયેલા સુવેંદુ અદિકારીને બીજેપીએ આ બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે. સોમવારે સુર્વેદું અધિકારીએ મમતા બેનર્જી પર આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે, મમતા બેનર્જીએ ચૂંટણી નામાંકનમાં પોતાના ઉપર નોંધાયેલા કેસની વિગતો છુપાવી છે. આ અંગે બંગાળ બીજેપીએ રિટર્નિંગ ઑફિસર સમક્ષ વાંધો ઉઠાવતા મમતાનું નામાંકનપત્ર રદ્દ કરવાની માંગ કરી છે. સુવેંદુ અધિકારીએ વધુમાં કહ્યું હતુ કે, મમતા બેનર્જી સામે 6 કેસ ચાલી રહ્યા છે. આ બાબતનો ઉલ્લેખ નામાંકનપત્ર ભરતી વખતે ઉમેદવારે લેખિતમાં કરવાનો હોય છે. આમ છતાં મમતાએ તેની વિરુદ્ધ થયેલા કેસ અંગે આ વખતે નામાંકન પંત્રમાં કોઈ જ સ્પષ્ટતા કરી નથી. મમતા બેનર્જીએ આસામના ગીતા બજાર અને પાન બજાર સહિત અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં નોંધાયેલા કુલ 5 કેસોની જાણકારી નામાંકન પત્રમાં નથી આપી. આ કેસ આસામમાં એનઆરસીને લઇને ભડકાઉ નિવેદન આપવાના આરોપમાં મમતા બેનર્જી સામે નોંધાયા હતા.”
આ ઉપરાંત 2008માં સીબીઆઈ તરફથી કોલકાતામાં નોંધાવામાં આવેલા કેસની જાણકારી પણ મમતા બેનર્જીએ છુપાવી છે. વર્ષ 2018માં તેમની સામે 5 કેસ દાખલ કરાયા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પાયો જૂઠ પર આધારીત છે. તે જૂઠી છે. ફોર્મ ભરતી વખતે ઘણી બધી બાબતો છુપાવવી એ ઘટના તેનો પુરાવો છે. મળતી વિગતો મુજબ ટીએમસી સરકારમાં મંત્રી રહેલા સુવેંદુ અધિકારીએ બે મહિના પહેલા જ ભાજપનું શરણું લીધું હતુ. તેઓ નંદીગ્રામના ધારાસભ્ય છે. નંદીગ્રામ આંદોલનમાં તેમણે મમતા બેનર્જીના સહયોગીની ભૂમિકા નીભાવી હતી. જો કે, રાજનીતિના આ ખેલમાં હવે સુર્વેંદુ અધિકારી મમતા સામે જ ચૂંટણીજંગના મેદાનમાં આવી ગયા છે. સુવેંદુએ તેમને 50 હજારથી વધારે વોટોથી હરાવવાનો દાવો કર્યો છે. બીજેપીએ મમતા બેનર્જીના સોગંદનામાને પણ સાર્વજનિક કર્યું છે. સુવેંદુ અધિકારીએ સુપ્રીમ કૉર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઉમેદવારે પોતાની ઉપર નોંધાયેલા કેસની જાણકારી આપવી અનિવાર્ય છે. જો ઉમેદવાર આમાં નિષ્ફળ જાય છે તો તેની ઉમેદવારી રદ્દ કરવામાં આવી શકે છે. આવામાં 6 કેસ છુપાવવાના મામલે મમતા બેનર્જીની નંદીગ્રામ સીટથી ઉમેદવારી રદ્દ થવી જોઇએ.