ગુજરાતના ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજ સંકટ પર ધ્યાન દોરતા જણાવ્યું કે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને કારણે ગેસ સપ્લાયને અસર થઈ હતી. ઈન્ડોનેશિયાથી કોલસાની સપ્લાયમાં પણ સમસ્યા આવી રહી હતી. જેના કારણે વીજળી સપ્લાયમાં સમસ્યા આવી અને ખેડૂતોને તેનો ભોગ બનવુ પડ્યું હતું. વીજ કાપની સમસ્યાથી ગુજરાતના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી નહી મળતા ખેડૂતોનો ઉભો પાક સુકાય તેવી સંભાવના છે ત્યારે ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કનુ દેસાઇએ જાહેરાત કરતાં કહ્યું છે કે આજથી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી થશે. અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી અપાશે.ખેડૂતોને પુરતો વીજ પુરવઠો પૂરતો મળે તેની વ્યવસ્થા થશે.જરૂર જણાશે તો ઉદ્યોગોને અપાતા વીજ પુરવઠામાં કાપ મુકીને ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં આવશે.