મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રીની વરણી મામલે ખટરાગ સર્જાયા બાદ શિવસેના અને ભાજપ વિવિધ મુદ્દા અને ઘટનાક્રમને લઈને એકબીજા પર પ્રહારો કરતા રહ્યા છે. સુશાંત અપમૃત્યું કેસમાં મીડિયાને સહારે મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાના ભાજપના કાવતરા પછી પણ મહારાષ્ટ્રમાં અઘાડી સરકારને કશું જ થયું નથી. દરમિયાનમાં શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં બીજેપી પર ફરી નિશાન ટાંકીને ગંભીર આરોપો મુક્યા છે. 5 દિવસ પહેલાં જ અર્નબ ગોસ્વામી ચેટ લીક થઈ હતી. જેમાં પુલવામાં હુમલા અંગે તેને અગાઉથી જાણ હોવાનું બહાર આવ્યું છે. હવે આ મુદ્દે શિવસેનાએ સામાનામા ભાજપ અને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો મુક્તા લખ્યું છે કે, પુલવામામાં ભારતના વીરજવાનોના મોત એ દેશની અંદર રચવામાં આવેલું રાજકીય ષડયંત્ર હતું. લોકસભાની ચૂંટણી જીતવા માટે 40 જવાનોનું લોહી વહાવી દેવાયું છે. શિવસેનાએ બીજેપીને સવાલ કરતા લખ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાથી સંબંઘિત અનેક ગોપનીય વાતો ગોસ્વામીએ જાહેર કરી દીધી, એ મુદ્દે ભાજપ કેમ ચુપ છે. હવે અર્નબ ગોસ્વામીની જે વ્હોટસએપ ચેટ જાહેર થઇ છે તે શિવસેનાના આરોપોને વધુ મજબૂત કરે છે. ગોસ્વામીને ગોપનીય જાણકારી આપીને રાષ્ટ્રીય સુરક્ષાની ધજ્જિયા ઉડાવનાર અસલમાં કોણ હતું, ?, દેશને આ સવાલનો જવાબ સરકાર અને ભાજપે આપવો જોઈએ. 40 જવાનની હત્યા પર ગોસ્વામીનો આનંદ વ્યકત કરવો એ દેશ, દેવ, ધર્મનુ અપમાન છે.
સામનામાં પ્રસિદ્ધ અહેવાલમાં એવી ટીપ્પણી પણ કરાઈ છે કે, ભગવાન શ્રીરામ પણ ભાજપ અને સરકારની આ કરતૂત જોઈને પોતાનું માથું કુટતા હશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કોઈ શરમ અનુભવવી નથી કે સુધરવું પણ નથી. ચીને લદ્દાખમાં ઘુસીને હિંદુસ્તાની જમીન પર કબ્જો કરી લીધો, ચીન પાછળ હટવા તૈયાર નથી. પરંતુ ભાજપ આ મુદ્દે દેશમાં વાત કરવા તૈયાર નથી. સામનામાં લખાયેલા અહેવાલમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, ભારતીય જનતા પાર્ટી હવે હાસ્ય-વ્યંગનો વિષય બની ગઇ છે. રોજ નવા સ્વાંગ- ઢોંગ રચીને જનતાનું મનોરંજન પીરસે છે. પરંતુ જનતા હવે ધીમે ધીમે જાગૃત થવા માંડી છે. તાંડવ વેબ સીરીઝમાં હિંદુ દેવી-દેવતાઓના સંદર્ભમાં કેટલાંક આપત્તિજનક સંવાદ હોવાનું કહીને બીજેપી બબાલ મચાવી રહી છે.
હિંદુ દેવી- દેવતાઓના સંદર્ભમાં કોઇ પણ પ્રકારના અપમાનજનક સંવાદને શિવસેનાએ કયારેય પણ સહન કર્યા નથી. એમ એફ હુસૈન મહાન ચિત્રકાર હતા. પરંતું તેમણે હિંદુ દેવી- દેવતાઓના જે રીતે ચિત્રો બનાવ્યા, તેની સામે શિવસેનાએ જ મોરચો માંડ્યો હતો. આખરે એમ એફ હુસૈને ભારત છોડી જવાની નોબત આવી હતી.