જાપાનના ટોક્યોમાં રમાઈ રહેલા ઓલિમ્પિકમાં હવે વિજેતાઓ તથા અન્ય સ્પર્ધકોને ક્રમ પ્રમાણે વિવિધ પદકો આપીને નવાજવામાં આવી રહ્યા છે. ભારતના નિરજ ચોપડાએ ચાર દિવસ પહેલાં જ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. મેડલ મેળવવા માટે રમતવીરો વર્ષો સુધી મહેનત કરતા હોય છે. આ મેડલ હિંમત, શિસ્ત અને અસંખ્ય બલિદાનનું પ્રતીક છે જેને તે ગર્વથી પોતાના ગળામાં પહેરે છે. પરંતુ હવે દેશ અને દુનિયાના સ્પર્ધકોને ઓલિમ્પિક દરમિયાન અપાતા મેડલ વિશે જાણવા જેવું છે. ઓલિમ્પિક દરમિયાન સ્પર્ધકો અને વિજેતા ખેલાડીઓને તેમના ખેલ દરમિયાનના દેખાવ અને ક્રમ પ્રમાણે ત્રણ પ્રકારના એટલે કે, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. જેને ખેલાડીના ગળામાં પહેરાવાય છે. ઓલિમ્પિકમાં ચેમ્પિયનને પ્રથમ વખત અમેરિકાના સેન્ટ લુઇસમાં યોજાયેલી 1904 ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો.
અગાઉ સોનું ખૂબ મોંઘુ માનવામાં આવતું હતું તેથી વિજેતાને સિલ્વર મેડલ અને રનર અપને બ્રોન્ઝ અપાતો. જ્યારે ત્રીજા સ્થાને આવતા સ્પર્ધક ખેલાડી માટે કોઈ મેડલ નહોતો. 1912 સુધી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ શુદ્ધ સોનાથી જ બનાવાતો હતો. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાક દેશોએ ચાંદીમાંથી ગોલ્ડ મેડલ બનાવવાની શરૃઆત કરી હતી. એટલે કે ચાંદીના મેડલ પર સોનાનુ એક સ્તર ચઢાવાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, 2021ના ટોક્યો ઓલિમ્પિકમાં વિજેતાઓને આપવામાં આવેલા મેડલ વિવિધ ધાતુઓથી બનાવાયા છે. જેમાં 556 ગ્રામ વજન ધરાવતા સુવર્ણ ચંદ્રકમાં શુદ્ધ ચાંદી પર 6 ગ્રામથી વધુ સોનું ચઢાવાયું છે. આ ગોલ્ડ મેડલની કિંમત લગભગ 55,000 રૂપિયા છે.
જયારે રનર અપને અપાતા અને 550 ગ્રામ વજન ધરાવતા સિલ્વર મેડલને શુદ્ધ ચાંદીથી બનાવાયો છે. આ મેડલની કિંમત લગભગ 31,000 રૂપિયા છે. આ ઉપરાંત ખેલના બીજા રનરઅપને અપાતા બ્રોન્ઝ મેડલનું વજન 450 ગ્રામ છે. તેને 95% કોપર અને 5% ઝીંકને મિક્સ કરીને બનાવાયો છે. તેની કિંમત 515 રૂપિયાની આસપાસ છે. ચલણમાં આ મેડલની કિંમત ભલે વધુ નથી પરંતુ જગતમાં આ મેડલ મળ્યાની સિદ્ધિ અમૂલ્ય છે. કોઈપણ ખેલાડીને મેડલ મળે એટલે તેના દેશમાં તેનું નામ રોશન થઈ જાય છે.