આરબીઆઈ દ્વારા ભારતમાં ટૂંક સમયાં જ ડીજીટલ કરન્સી ચલણમાં મુકવાના સંકેતો અપાયા છે. આ સાથે નોટબંધી બાદ ફરી પ્લાસ્ટીક અને ડીજીટલ કરન્સીના કન્સેપ્ટ પર સરકાર અને આરબીઆઈ ભાર મુકવા માંગી રહ્યા છે. નાણાં મંત્રાલય દ્વારા ગઠીત ઉચ્ચ-સ્તરની આંતર-મંત્રાલય સમિતિએ ડીજીટલ કરન્સીના અમલીકરણની બાબતે નીતિ અને કાનૂની માળખાની તપાસ કરી છે. જે બાદ આ સમિતિએ ભારતમાં સીબીડીસીને ડિજિટલ ચલણ તરીકે રજૂ કરવાની ભલામણ કરી છે. દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન ચર્ચામાં ભાગ લેતા આ અંગે ફોડ પાડતા કહ્યું હતું કે આરબીઆઈ તબક્કાવાર રીતે પોતાનું ડિજિટલ ચલણ અમલમાં મૂકવાની વ્યૂહરચના ઘડી રહી છે. આગામી દિવસોમાં ડિજિટલ ચલણને જથ્થાબંધ અને છૂટક ક્ષેત્રોમાં ફરતુ કરી દેવાશે. અન્ય સેન્ટ્રલ બેંકોની જેમ આરબીઆઈ પણ લાંબા સમયથી ડિજિટલ ચલણના વિવિધ પાસા અંગે તપાસ કરી રહી હતી. સાથે જ તે દીશામાં આગળ વધવા અંગે ગહન ચર્ચા કરી રહી હતી. હવે આરબીઆઈ તબક્કાવાર રીતે પોતાની ડિજિટલ કરન્સીને માર્કેટમાં રજૂ કરવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. બેન્કિંગ સિસ્ટમ અને નાણાકીય નીતિ ઉપર કોઈ અસર નહી પડે તે રીતે તેને રજૂ કરવામાં આવશે.
ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે વધુમાં જણાવ્યું હતુ કે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીને લઈને ખૂબ જ વિચારો કરી ચુકી છે. વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો પણ ડીજીટલ કરન્સીના નાગરિકો માટેના સલામત ઉપયોગની તરફેણ કરવા માંડી છે. દેશ અને દુનિયામાં સીબીડીસી હેઠળના ઉપભોક્તાઓને કેટલીક મુદ્રા મળતી હોય છે. પરંતુ હવે તેમાં જોવા મળેલી અસ્થિરતાને કારણે નાણાનું જોખમ ઉભુ થયું છે. વિવિધ દેશોની કેન્દ્રીય બેન્કો સીબીડીસીની સંભાવનાને શોધી રહી છે. કદાચ ડિજિટલ ચલણ વિશેનો વિચારનો તબક્કો હવે અંતિમ પડાવ પર છે. ભારતમાં કેટલાક સંજોગોમાં ડીજીટલ કરન્સીના ઉપયોગમાં કાયદાકીય પરિવર્તનની આવશ્યકતા પડી શકે છે. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક્ટ હેઠળ હાલની જોગવાઈઓ ચલણને આધારે અમલી છે. એટલે આગામી દિવસોમાં સિક્કા અધિનિયમ, ફેમા અને આઈટી એક્ટમાં સુધારો સંભવ બનશે.