આમ તો ગુજરાતમાં રસ્તાઓ પર સુરક્ષાને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણાં ફેરફાર કરી રહી છે. આ દરમિયાન સાપુતારાથી માલેગામ ત્રણ કિમીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહન ચાલકો માટે ગોઝારો સાબિત થઇ રહ્યો છે. નાસિકથી દ્રાક્ષનો જથ્થો ભરી સુરત જતા બે આઇસર ટેમ્પો રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં 50 ફૂટના અંતરે ઉપરાછાપરી પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ સાપુતારાથી માલેગામ ત્રણ કિમીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અકસ્માત રોકાવાનું નામ નથી લઇ રહ્યા. આને લીધે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. માલેગામ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં 50 ફૂટના અંતરે બે જુદાં જુદાં આઉસર ટેમ્પોમાં દ્રાક્ષનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક એકજ સ્થળે બે ટેમ્પોના ચાલકોએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
જો કે, એક ટેમ્પો માર્ગ સાઈડે ખુંપી જતા ચાલક ક્લીનરનો આબાદ બચાવ થયો હતો, જ્યારે માત્ર 50 ફૂટના અંતરે આગળ જઇ રહેલા અન્ય આઇસર ટેમ્પો ધડાકાભેર સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક ક્લીનર ને ઇજા થવા સાથે દ્રાક્ષનો જથ્થો ખીણમાં વેરવિખેર પડ્યો હતો. ટેમ્પોને પણ જંગી નુકસાન થયું હતું. ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અપાઈ હતી. સાપુતારા માલેગામ ના આ ગોઝારા વળાંક પાસે છાસવારે અકસ્માત સર્જાતા હોય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી દ્વારા કોઈ દિશા સૂચક બોર્ડ કે સૂચના ન લગાવતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે