અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે દેશમાં હિંદુ સંગઠનો દ્વારા દાન એકત્ર કરવામાં આવી રહ્યું છે. 15થી શરૃ થયેલા દાન એકત્રિકરણના કાર્યક્રમમાં સ્વયંસેવકો ઘરે ઘરે જઈને દાન ઉઘરાવી રહ્યા છે. જેથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ શકે. પરંતુ આવા સંજોગોમાં તકનો લાભ લેવા કેટલાક ધુતારા સક્રિય થયા છે. દેશમાં એક તરફ નિધિસમર્પણનું નામ આપીને સંગઠનો દાન લેવાનું અભિયાન શરુ કરાયું છે. ત્યાં સુરતમાં એક ઠગ પણ દાન ઉઘરાવતો પકડાયો હતો. મળતી વિગતો મુજબ સુરતના નાનાવરાછા ચીકુવાડી પાસે એક યુવકે ડુપ્લીકેટ રસીદ બનાવી હતી. આ રસીદને સહારે યુવકે લોકો પાસેથી ફંડ ઉઘરાવાનું શરૃ કર્યું હતુ. આ અંગેની જાણ થતાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો તેની પાસે પહોંચ્યા હતા. જે બાદ તેઓએ યુવકને પકડી પાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને રામ મંદિર માટે દાનને નામે ખોટી રીતે પૈસા ઉઘરાવી રહેલા શખ્સની અટકાયત કરી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીની પુછતાછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ઇસમે કેટલા લોકો પાસે પૈસા ઉઘરાવ્યા છે અને અન્ય કેટલાક લોકો આ કારભારમાં સામેલ છે તે જાણવા પોલીસે તપાસ આદરી છે. વિશ્વ હિંદુ પરિષદ જણાવ્યું હતુ કે, આવા સ્ટોલ લઈને બેસેલા લોકોને દાન આપવું ન જોઈએ. આ માટે સંગઠનોએ એક કમિટી બનાવી છે. દરેક શહેરમાં કમિટિના કાર્યકરો ઘરે ઘરે જઈને મંદિરની માહિતી આપી દાન માટે અપીલ કરી રહ્યા છે. તેઓને ઓળખપત્ર પણ અપાયા છે. આમ છતાં કોઈ શંકા જાય તો વિહિપનો અથવા તો સમપર્ણ નિધિ સમિતિનો સંપર્ક કરી શકાય છે.