કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કોંગ્રેસ પાર્ટીથી નારાજ જણાઇ રહ્યા છે. તેમણે પોતાના લેટેસ્ટ ટ્વીટમાં સંકેત આપ્યો છે કે તે આગામી સમયમાં પાર્ટી છોડી શકે છે. ફૈઝલ પટેલે લખ્યું, ‘હું રાહ જોઈને થાકી ગયો છું. ટોચના નેતૃત્વ તરફથી કોઈ પ્રોત્સાહન મળ્યું નથી. અમારી તરફથી તમામ વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અહેમદ પટેલનું નવેમ્બર 2020માં લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. હવે બે વર્ષ બાદ ફૈઝલ પટેલ કોંગ્રેસ છોડી શકે છે. ગયા વર્ષે ફૈસલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યો હતો, ત્યાર બાદ એવી અટકળો ચાલી રહી હતી કે તે AAPમાં જોડાશે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોર લગાવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ જુના જોગીઓને સાઇડલાઇન કરીને નવી ટીમ બનાવી રહી છે તેવામાં ફૈઝલ પટેલને નવી જવાબદારી મળે તેની રાહ જોવામાં આવી રહી હતી. કોંગ્રેસના ચાણક્ય ગણાતાં અહમદ પટેલે વર્ષો સુધી પાર્ટીની સેવા કરી હતી. તેઓ ગાંધી પરિવારથી પણ નજીક હતાં તે છતાં ફૈઝલ પટેલને અત્યાર સુધી પાર્ટીમાં કોઇ વિશેષ પદ ઓફર કરવામાં આવ્યું નથી. અહમદ પટેલનો પરિવાર ભરૂચમાં પોતાનું વિશેષ સ્થાન ધરાવે છે ત્યારે ફૈઝલ પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી હતી.