એક મોટો નિર્ણય લેતા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસને ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. કેનની જગ્યાએ હવે અનુભવી બોલર ટિમ સાઉથી ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કમાન સંભાળતો જોવા મળશે. જોકે કેન ODI ફોર્મેટ અને T20 ફોર્મેટમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ ચાલુ રાખશે.
ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવા અંગે કેન વિલિયમસને કહ્યું કે ‘ટેસ્ટની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કરવાનો આ યોગ્ય સમય છે’. ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવી મારા માટે સૌભાગ્યની વાત છે. ટેસ્ટ ક્રિકેટ મારા માટે સર્વોચ્ચ છે અને હું તેના કેપ્ટન તરીકે જે પડકારો લાવે છે તેનો આનંદ માણું છું. કેપ્ટન તરીકે તમારું કામ અને કામનો બોજ વધે છે. મારી કારકિર્દીના આ તબક્કે, મને લાગ્યું કે ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો આ યોગ્ય સમય છે.
કેન વિલિયમસન ન્યુઝીલેન્ડના મહાન ટેસ્ટ કેપ્ટનોમાંથી એક છે. કેનની કપ્તાની હેઠળ જ કીવી ટીમે ભારતને હરાવી પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. તેના કેપ્ટનશિપના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 38 ટેસ્ટ મેચોમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ કરી છે. જેમાં તેણે 22 વખત ટીમને જીત અપાવી છે અને 8 મેચ ડ્રો રહી છે.
કેન વિલિયમસને ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ છોડ્યા બાદ ન્યૂઝીલેન્ડના અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથીને નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે પાકિસ્તાન પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. તે જ સમયે, ટોમ લાથમ ટીમની ઉપ-કપ્તાની સંભાળશે. ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડ ટીમનો 31મો ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. આ પહેલા તે T20 ઈન્ટરનેશનલમાં ટીમની કમાન સંભાળતો જોવા મળ્યો છે.