ભારતમાં 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને કારણે હાલ રાજકીય માહોલ ગરમાયો છે. બંગાળ અને કેરળમાં ભાજપને સત્તા અપાવવા ખુદ મોદી અને અમીત શાહ મરણીયા બન્યા છે, અન્ય રાજ્યકીય પક્ષોએ પણ ચૂંટણીજંગના મેદાનમાં તમામ તાકાત લગાવી દીધી છે. પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પોન્ડિચેરીમાં ચૂંટણીપ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. હવે કયા રાજ્યોમાં કોની સરકાર બનશે તેને લઇને અટકળો ચાલી રહી છે. ત્યારે ટાઇમ્સ નાઉ અને સી- વોટરના સરવેમાં કેટલાક તારણો નીકળ્યા છે. જે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 154 બેઠક પર, જ્યારે બીજેપીને 107 બેઠક પર જીતી શકે છે. બીજી તરફ એબીપી ન્યૂઝ અને સીએનએક્સના ઓપિનિયન પોલમાં પણ બંગાળમાં ફરી મમતા સરકારના એંધાણ છે. તેના સરવેમાં ટીએમસીને 154થી 164 બેઠક પર જીત મળે તેમ છે.
આ સાથે બંગાળમાં ફરી ટીએમસીની સરકાર બનશે. આ જ સરવેમાં બંગાળમાં ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં ઉભરશે. ગત ચૂંટણીમાં TMCએ 211 બેઠકો તથા ભાજપે માત્ર ત્રણ બેઠક જીતી હતી. જો કે, 2021માં બંગાળમાં TMCને સત્તા તો મળશે પરંતુ બેઠક ઘટી જશે તેવું સ્પષ્ટ તારણ નીકળ્યું છે. બંગાળના ચૂંટણી જંગમાં ડાબેરી અને કોંગ્રેસ ગઠબંધનને ફક્ત 22થી 30 બેઠકો જ મળવાની ધારણા છે. ભાજપ બંગાળમાં 102થી 112 બેઠકો પર જીત મેળવીને રાજ્યમાં બીજો સૌથી મોટો પક્ષ બની જશે તેવો વર્તારો છે. દક્ષિણ બંગાળમાં ટીએમસી અને ભાજપ જબરદસ્ત ટક્કરના એંધાણ છે. આ વિસ્તારમાં વિધાનસભાની 119 બેઠકો છે. તેમાંથી ટીએમસીને 60થી 66 બેઠકો તથા ભાજપને 51 થી 57 બેઠકો મળવાનું અનુમાન છે.
ડાબેરી કોંગ્રેસ ગઠબંધનને આ વિસ્તારમાં ફક્ત 1થી 3 બેઠકોથી સંતોષ માનવો પડે તેમ છે. ભાજપને ઉત્તર બંગાળ ક્ષેત્રમાં વધુ ફાયદો થવાની શકયતા છે. અહીં 56 બેઠકો પર ભાજપને જીત મળશે તેવું તારણ બહાર આવ્યું છે. આ વિસ્તારમાં ટીએમસીને 12થી 18 બેઠક જ મળવાની સંભાવના છે. એ જ રીતે ડાબેરી અને કોંગ્રેસ ગઠબંધનને 9-9 બેઠકો મળવાની સંભાવના છે. વધુમાં ટીએમસીને વિધાનસભાની ચૂંટણીમાં 42 ટકા મતો જ્યારે ભાજપને 34 ટકા અને ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનને 19 ટકા મત મળી શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 43.28 ટકા મતો મળ્યા હતા. હવે નવા સરવમાં તેના વોટ ટકાવારીમાં 1.75 ટકાનો ઘટાડો થતાં તેને 41.33 ટકા મત મળી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 40 ટકા મતો મળ્યા હતા, જ્યારે આ સર્વેમાં તેમાં પણ ઘટાડો થયો છે અને 34 ટકા મતો મળી રહ્યા છે.