મંગળવારે સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલ પર સ્ટે મૂકી દીધો. એ પહેલાં સોમવારે કોર્ટમાં જસ્ટિસ અને સરકારી વકીલ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. બધાંને એવું લાગ્યું કે સુપ્રીમ કોર્ટ સરકારને આડે હાથે લઈ કાયદા જ રદ કરી દેશે. પણ મંગળવારે સ્ટે આપી દીધો અને એક કમિટી બનાવી તેની સાથે ચર્ચા કરવા જણાવ્યું.
સવાલ એ છે કે શું ખરેખર સુપ્રીમ કોર્ટે ખેડૂતો માટે સહાનુભૂતિ દર્શાવીને આ નિર્ણય લીધો છે? આનો જવાબ સ્પષ્ટ ના છે કારણ કે જો ખરેખર ખેડૂતો માટે સહાનુભૂતિ હોત તો આટલો સમય જ ના લીધો હોત અને કાયદો રદ કર્યો હોત પણ એવું થયું નથી.
સવાલ એ છે કે આપણે કોર્ટ સમક્ષ શા માટે જઈએ છીએ ? કોઈ પણ બાબતમાં બેમાંથી એક પક્ષને અન્યાય થયો હોય એવું લાગે ત્યારે કોર્ટ સમક્ષ જવામાં આવે છે. કોર્ટ બન્ને પક્ષને સાંભળી , કાયદાના અન્ય રેફરન્સ લઈ, જૂના ચુકાદાનો અભ્યાસ કરી, પોતાની વિવેક બુધ્ધિ વાપરી ચુકાદો આપે છે. તેમાં સ્પષ્ટ હોય છે કે અમુક વસ્તુ યોગ્ય છે કે નહીં. કોર્ટની ભૂમિકા મધ્યસ્થીની નથી હોતી. ક્યારેક જ કોર્ટ મધ્યસ્થી માટે આગળ આવે છે.
ખેડૂત આંદોલનમાં સુપ્રીમ કોર્ટે જે રીતે મધ્યસ્થીની ભૂમિકા ભજવી છે તેના પર સવાલ થાય એ સ્વાભાવિક છે. અહીં આપણે કૃષિ કાયદાના સાચા- ખોટાની વાત નથી કરતા. એ અલગ વાત છે. ખેડૂતો સમજ્યા વગર તેનો વિરોધ કરે છે. આ મુદ્દે અગાઉ પણ અહીં ચર્ચા કરી છે. આજે વાત કરવી છે માત્ર સુપ્રીમ કોર્ટની. કોર્ટનું વલણ જોતા એવું લાગે છે કે એ જાણે સરકારને મદદ કરી રહી છે. 26મી જાન્યુઆરીએ ખેડૂતોએ ટ્રેક્ટર પરેડની જાહેરાત કરી છે. રાજપથ પર એ દિવસે લશ્કરી પરેડ વિદેશી મહેમાનની હાજરીમાં યોજાતી હોય છે. આવાં સમયે ખેડૂતોની પરેડ સરકારને શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે. બીજું, વાટાઘાટોના આટલાં બધાં રાઉન્ડ છતાં કોઈ પ્રગતિ નથી. સરકાર પણ અડગ છે. એટલે આ ઉકેલ લાવવો સરકાર માટે બહુ જરૂરી હતો.
સરકાર એવું ચોક્કસ કહી શકે કે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કૃષિ કાયદાનો અમલ હાલમાં નહીં થાય. આથી સરકારનો હાથ પણ ઉપર રહે. બીજી બાજુ ખેડૂતો પણ આટલા લાંબા સમયથી દિલ્હીમાં છે અને તેમની પણ ધીરજ ખૂટી હોય એ બનવાજોગ છે. આથી હવે આંદોલન ધીમું પડે તો પણ નવાઈ લાગવી જોઈએ નહીં. સરકાર પણ એવું જ ઈચ્છતી હતી. સુપ્રીમ કોર્ટે તેની અનુકૂળ આદેશ આપ્યો છે.
સરકારે 4 સભ્યોની એક સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ સમિતિમાં ભૂપેન્દ્રસિંહ માન, અનિલ ગનાવત, અશોક ગુલાટી અને પ્રમોદકુમાર જોશીનો સમાવેશ થાય છે. ખેડૂતોનો દાવો એવો છે કે આ તમામ સરકાર તરફી લોકો છે. તેમને ન્યાય મળે એવી શક્યતા બહુ ઓછી છે. આથી જ એવી શંકા જાય કે શું સુપ્રીમ કોર્ટ સરકાર વતી કામ કરી રહી છે ?
ખેડૂત આંદોલન હવે પહેલાં જેવું કડક રહેશે કે કેમ તે એક સવાલ છે. કારણ કે હવે લણણીનો સમય નજીક આવશે. એ સમયે ઘણાં બધાં લોકોની જરૂર પડતી હોય છે. એ સમયે ખેડૂતો આંદોલન માટે દિલ્હી બોર્ડર પર બેસી રહે એવી શક્યતા નથી. વળી, જે ખેડૂતો ઓછી જમીન ધરાવે છે તેમને આ રીતે પોસાય તેમ નથી. મોટી જમીન ધરાવતા ખેડૂતો સૌથી વધુ વિરોધ કરી રહ્યા છે. અગાઉ જણાવ્યું તેમ પંજાબ, હરિયાણાના ખેડૂતોએ ટેકાના ભાવનો સૌથી વધુ લાભ લીધો છે અને હવે તેનો વિરોધ કરે છે. સુપ્રીમ કોર્ટેનું મંગળવારનું વલણ ચોક્કસપણે શંકા ઉપજાવનારું છે.
ખેડૂતો પાસે હવે સમિતિ સમક્ષ જવા સિવાય વિકલ્પ પણ નથી અને એ માટે તેઓ જ જવાબદાર છે. એમના અક્કડ વલણને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આંદોલન હવે કેવો વળાંક લેશે એ તો સમય જ કહેશે પણ એક વાત નક્કી છે કે ખેડૂતોની મમતથી તેને ધક્કો ચોક્કસ વાગ્યો છે.
– લલિત દેસાઈ