ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા છે. તેમણે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે તેમની સરકારના ઘણા મંત્રીઓએ પણ પદના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમના નેતૃત્વમાં ભાજપે આ ચૂંટણીમાં 156 બેઠકો સાથે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. તેમણે 2017 અને 2022માં ગુજરાતમાં સૌથી વધુ મતો સાથે ચૂંટણી જીતી હતી. તેઓ મધ્ય ગુજરાતમાંથી આવે છે અને અત્યાર સુધીમાં બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના કડવા પટેલ સમુદાયના છે, તેઓ 2017માં જ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તેઓ એવા નેતાઓમાંના એક છે જેમની સ્વચ્છ છબી છે અને તેઓ જનતામાં એક નેતા ગણાય છે.
કનુભાઈ દેસાઈ, ભાનુબેન બાબરીયા, મૂળુભાઈ બેરા, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, ડો. કુબેર ડિંડોર તેમજ રાઘવજી પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધાં હતી. ઉપરાંત હર્ષ સંઘવી અને જગદિશ વિશ્વકર્માને રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે.
રાજ્યમંત્રીની વાત કરીએ તો પરષોત્તમ સોલંકી, મુકેશ પટેલ, બચુભાઇ ખાબડ, પ્રફુલ્લ પાનશેરિયા, ભીખુ સિંહ પરમાર અને કુંવરજી હળપતિને તક આપવામાં આવી છે. સાંજે કેબિનેટ બેઠક યોજાશે અને તેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકાર માટે સૌથી મોટો પડકાર પાયાના સ્તરે કામ કરવાનો અને સંકલ્પ પત્રની જાહેરાતોને પૂર્ણ કરવાનો રહેશે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી વચનો પૂરા કરવા માટે ભંડોળ એકત્ર કરવું પડશે. ભાજપે પોતાના ચૂંટણી વચનો પૂરા કરવા માટે વાર્ષિક કેટલાય હજાર કરોડ ખર્ચવા પડશે. ગુજરાત પહેલાથી જ દેવાના બોજાથી દબાયેલું છે. ભાજપ દ્વારા ચૂંટણી વચનો સમયસર પૂરા કરવા એ મોટો પડકાર છે.