મુલ્લા બરાદરના નેતૃત્વમાં અફઘાનિસ્તાનમાં નવી સરકાર રચાશે. અરબ ન્યૂઝમાં પ્રકાશિત સમાચાર અનુસાર, તાલિબાનના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે મુલ્લા બરાદરના નેતૃત્વમાં નવી સરકારની રચના થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરના પુત્ર મુલ્લા મોહમ્મદ યાકુબ અને શેર મહમૂદ અબ્બાસ સ્ટેકઝાઈ આ સરકારમાં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળશે. મુલ્લા બરાદર તાલિબાનના રાજકીય વડા છે અને 1994 માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની રચના કરનાર ચાર લોકોમાંથી એક છે. તાલિબાન દ્વારા કાબુલ કબજે કર્યા બાદ તાલિબાન શાસનના વડા તરીકે મુલ્લા બરાદરનું નામ મોખરે હતું. 1996 માં, જ્યારે અફઘાનિસ્તાન તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યું હતું, ત્યારે મુલ્લા બરાદરને દેશના નાયબ સંરક્ષણ પ્રધાન પણ બનાવવામાં આવ્યા હતા.
2001 માં તાલિબાને સત્તા ગુમાવી ત્યાં સુધી બરાદર આ પદ પર રહ્યા. અમેરિકાએ 9/11 હુમલા બાદ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો અને તત્કાલીન તાલિબાન સરકારને સત્તા પરથી દૂર કરી હતી. આ પછી મુલ્લા બરાદરે અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના સામે સંઘર્ષ શરૂ કર્યો. મુલ્લા બરદારની આઈએસઆઈ દ્વારા 2010 માં કરાચીથી સીઆઈએની મદદથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, 2018 માં પાકિસ્તાને તેને મુક્ત કર્યો. તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ આયોગના વરિષ્ઠ અધિકારી મુફ્તી ઈનામુલ્લા સામંગાનીએ બુધવારે કહ્યું હતું કે નવી સરકારની રચના અંગેની વાટાઘાટો લગભગ અંતિમ તબક્કામાં છે અને કેબિનેટ પર પણ ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે આ જૂથ આગામી ત્રણ દિવસમાં કાબુલમાં નવી સરકાર બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.