ભારતમાં કોરોનાની બીજી લહેર માંડ માંડ શાંત પડી છે. ત્યાં હવે ફરી ત્રીજી લહેરના પડઘમ સાથે જ ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે, દેશના કેટલાક વૈજ્ઞાનિકો તો ચોથી જુલાઈથી જ કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ હોવાનો દાવો કરી ચૂક્યા છે. સોમવારે ભારતમાં 118 દિવસ બાદ સૌથી ઓછા કોરોનાના કેસ નોંધાયા હતા. આ ઘટના બાદ મંગળવારે સ્થિતિ તેનાથી વિપરીત થઈ અને એક જ દિવસમાં નવા કેસોમાં 7 હજાર કેસનો ઉછાળો આવ્યો છે. આ બાબતની નોંધ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે પણ લીધી છે. અને દેશના લોકોને કોવિડની માર્ગદર્શિકાનું ગંભીરતાથી પાલન કરવા અનુરોધ કર્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સાંજે કોરોનાના કેસની વિગતો આપતા કહ્યું હતુ કે, મંગળવારે કોવિડ-19ના નવા 38,792 દર્દીઓ મળ્યા હતા. આ પહેલાં સોમવારે આ કેસની સંખ્યા 31,443 રહી હતી. જે ગત 118 દિવસમાં સૌથી ઓછા કેસ રહ્યા હતા. જો કે બીજા જ દિવસે દૈનિક નવા કેસોમાં 7,349 એટલે કે 23.37 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં 38,792 નવા કેસો આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 3,09,46,074 થઈ ગઈ છે. આ દરમિયાન 24 કલાકમાં 624 દર્દી મોતને ભેટ્યા હતા. આ સાથે જ મહામારીથી મરનારાઓની સંખ્યા વધીને હવે 4,11,408 ઉપર પહોંચી ગઈ છે. મંગળવારે 41,000 દર્દી સાજા થતાં અત્યાર સુધી કોરોનાથી ઠીક થયેલા લોકોની કુલ સંખ્યા 3,01,04,720 થઈ ગઈ છે. જ્યારે કુલ 4,29,946 દર્દી અત્યારે અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર કરાવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ બાબતથી ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતુ કે, કોવિડની માર્ગદર્શિકાના પાલનમાં બેદકારી રખાશે તો આપણે કોરોનાની ત્રીજી લહેરને આવતા કેવી રીતે રોકી શકીશું ?
મંત્રાલય તરફથી મંગળવારે જાહેર કરાયેલા આકંડા પ્રમાણે સોમવારે કોવિડ-19 સંક્રમણથી એક દિવસમાં 2,020 લોકોના મોત થયા હતા. બીજી તરફ સરકારે જણાવ્યું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની વેક્સિનના 37,14,441 ડોઝ મુકાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં દેશમાં 38,76,97,935નુ વેક્સીનેશન કરાયું છે.