3-4 દિવસની રાહત બાદ સમગ્ર ગુજરાત ફરી ઠંડીની ચપેટમાં આવી ગયું છે. રાજ્યભરમાં ચાલી રહેલી કાતિલ ઠંડીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસ સુધી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે. આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું અને આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. 28 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનો પુરાવો યથાવત રહેશે અને તેમાં પણ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 7 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં લોકો ધ્રૂજી ઉઠ્યા હતા. કચ્છમાં સૌથી ઓછું 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
બીજી તરફ વડોદરામાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહ્યું હતું. સુરતમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને ભાવનગરમાં 12.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે અને આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા દિવસોમાં રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રીને પાર કરી ગયું હતું. રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા ફરી એકવાર ઠંડીના પ્રમાણ વધવા લાગ્યા છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.