એલઆઈસીના આઈપીઓ અંગે કેન્દ્રીય બજેટમાં જાહેરાત થયા બાદ હવે ટુંક સમયમાં જ રોકાણકારોની આતુરતાનો અંત આવે તેવી શકયતા છે. ઓકટોબર આસપાસ આવનાર આ આઈપીઓમાં પોલીસીધારકો માટે 10% હિસ્સો અનામત રહેશે. સરકાર આ આઈપીઓ દ્વારા 80,00૦ કરોડ એકત્ર કરવા માંગે છે. મંત્રી સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી કે, એલઆઇસીનો આઈપીઓ બહાર પાડવાની દીશામાં સરકાર ગંભીરતા સાથે આગળ વધી રહી છે. સરકારના આ વલણ બાદ એલઆઈસીના આઈપીઓને લઈને રોકાણકારોમાં ઉત્સાહ હતો. દરમિયાન શેર માર્કેટ રેગ્યુલેટર સેબીએ IPOના નિયમોમાં ફેરફાર કરી દેતા LICનો IPO થોડા સમયમાં બજારમાં આવે તેવા સંકેતો છે.
ભારતીય જીવન વીમા નિગમના આઈપીઓ બહાર પાડવામાં કેટલાક નિયમો આડે આવતા હતા. સેબીએ જે સુધારા કર્યા છે, તે મુજબ કોઈ પણ કંપની હાલના 10 ટકાને બદલે 5 ટકા હિસ્સો આઈપીઓના માધ્યમથી વેચી શકશે. કંપનીઓને મિનિમમ પબ્લિક હોલ્ડિંગના નિયમોમાં પણ છૂટછાટ મળી છે. હવે લિસ્ટિંગ કર્યા પછી તમને 5 વર્ષ મળશે જેથી તેઓ કંપનીમાં ન્યૂનતમ જાહેર હોલ્ડિંગ 25 ટકા સુધી કરી શકે. પહેલા ત્રણ વર્ષનો સમય મળતો હતો. જો કે હવે તે 5 વર્ષમાં 25% હિસ્સો ખુલ્લા બજારમાં વેચવો પડશે. સેબીના નવા નિયમો અનુસાર, જે કંપનીઓની માર્કેટ કેપ ઇશ્યૂ લાવ્યા બાદ 1 લાખ કરોડથી વધુ હશે, તે 10 ટકાને બદલે 5% હિસ્સો આઈપીઓના માધ્યમથી વેચી શકશે.
લિસ્ટિંગ થયા પછી કંપનીએ બે વર્ષમાં ઓછામાં ઓછું જાહેર શેરહોલ્ડિંગ 10% પ્રાપ્ત કરવાનું રહેશે. હાલમાં 4000 કરોડ રૂપિયાથી વધુની માર્કેટ કેપ ધરાવતી કંપની માટે 10% જાહેર હોલ્ડિંગ આવશ્યક છે. સરકાર LICમાં પોતાના હિસ્સો વેચીને ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. સેબીના આ સુધારા બાદ ખાસ કરીને એલઆઈસીનો IPO માટેનો માર્ગ મોકળો બન્યો છે. તેના આઈપીઓ ઓક્ટોબરમાં આવી તેવી ગણતરી મંડાય છે. આમ તો ગત વર્ષે જ એલઆઈસીનો IPO આવવાનો હતો.