મણિપુરમાં ડ્રગ્સ કેસમાં આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુકાતા નારાજ થયેલા એક મહિલા બહાદૂર અધિકારીએ તેનો શૌર્ય પુરસ્કાર પરત કરતા વહિવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. મણિપુરના મહિલા પોલીસ અધિકારી થોનાઔજમ બ્રિન્દાને 13 ઓગસ્ટ 2018ના રોજ ડ્રગ્સની વિરુદ્ધની લડાઈમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી બહાદુરી એવોર્ડ એનાયત કરાયો હતો. ડ્રગ્સ કેસની તપાસના સંદર્ભમાં મહિલા પોલીસ અધિકારી બ્રિંદાએ નોંધપાત્ર કામગીરી કરી હતી. ડ્રગ્સના કેસમાં ભાજપના પૂર્વ સ્વાયત્ત જિલ્લા પરિષદ (ADC)ના પ્રમુખ લુકોશી જો સહિત 7 લોકોને આરોપી બનાવાયા હતા. આ કેસમાં મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતુ. જે બાદ તે તમામ આરોપીઓ સામે ડ્રગ્સનો કેસ ચાલી રહ્યો હતો. મણીપુરમાં ડ્રગ્સના કેસમાં ભાજપના પૂર્વ એડીસી અધ્યક્ષ સહિત 7 લોકો આ ગુનામાં સંડોવાયેલા હોવાથી પ્રદેસના લોકો માટે પણ આ કેસ મહત્વનો અને ચકચારી હતી. દરમિયાન લામફેલની એનડીપીએસ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાની ખબર આ અધિકારી સુધી પહોંચી હતી. કેસમાં કાયદાકીય કાર્યવાહી બાદ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરતા જ પ્રદેશમાં આશ્ચર્ય ફેલાયું છે. બીજી તરફ પોલીસ અધિકારીએ રાજ્ય સરકારને તમામ યોગ્ય આદર સાથે અને એનડીપીએસ કોર્ટના નિર્ણયને પગલે મેડલ પરત આપવા રજૂઆત કરી હતી. પોલીસ અધિકારી થોનાઔજમ બ્રિંદાએ મુખ્યમંત્રી એન બિરેન સિંઘને પત્ર લખીને એવૉર્ડ પરત કરવાનું કારણ કોર્ટનો આદેશ ગણાવ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અદાલતે આ કેસમાં તપાસને અસંતોષકારક ગણાવી હતી, તેથી તેણીએ એવૉર્ડ પરત કરવાનો નિર્ણય કર્યો છે.