બધા પ્રાણીઓમાં શ્વાનને ખૂબ જ વફાદાર પ્રાણી તરીકે ગણવામાં આવ્યું છે. વ્યવસાય સિવાયની દ્રષ્ટિએ પાળવામાં આવતા પ્રાણીઓમાં શ્વાસની પસંદગી સૌપ્રથમ આવે છે. ભૂતકાળમાં જેકી શ્રોફની તેરી મહેરબાનીયા ફિલ્મમાં શ્વાનની વફાદારી કેટલી હદે હોઈ શકે તેનું નિરુપણ પણ દેશ અને દુનિયાએ જોયું હતુ. માણસનો સૌથી નજીક અને વફાદાર પ્રાણી શ્વાન તેના માલિક કે પાળનાર માટે ગમે તે હદે બલીદાન પણ આપી શકે છે. તાજેતરમાં જ તુર્કીમાં બનેલી આવી જ એક ઘટના મીડિયામાં ચમકી રહી છે. સોશિયલ મીડિયા પર આ શ્વાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તુર્કી સહિત સમગ્ર દુનિયામાં ચમકી રહેલા આ સમાચારમાં ફરી એકવાર શ્વાનની વફાદારીની વિગતો છે. તુર્કીમાં શ્વાનના માલિકને થોડા દિવસ પહેલાં જ બિમારી આવી પડી હતી. તેથી તેની સારવાર માટે માલિકને એક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જયાં તબીબો દ્વારા અને સ્ટાફ દ્વારા સારવાર ચાલુ કરાઈ હતી. આ સમયે તે માલિકે પાળેલો શ્વાન પણ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. જે બાદ તે શ્વાન તેના માલિકને જે રૃમમાં સારવાર આપવામાં આવી રહી હતી તે રૃમની બહાર જ બેસી રહ્યો હતો. માલિકની તબીબી સારવાર 6 દિવસ સુધી ચાલી હતી. પોતાનો માલિક સારો ન થાય ત્યાં સુધી એટલે કે 6 દિવસ સુધી તે શ્વાન ત્યાં જ બેસી રહ્યો હતો. આ શ્વાને પોતાના માલિકની રાહ જોઈ હતી. બીજી તરફ દુનિયાના સમાચાર માધ્યમોએ આ ઘટનાની નોંધ લીધી છે. વિવિધ અહેવાલોમાં લખાયું છે કે, તુર્કીના ઉત્તર-પૂર્વી શહેર ટ્રેબજોનમાં 68 વર્ષીય એક વૃદ્ધના બ્રેઈનમાં તકલીફ ઉભી થઈ હતી. તેથી તેને 14 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ કરવાનો તેના પરિવારે નિર્ણય કર્યો હતો. જેવા તે વૃદ્ધને હોસ્પિટલમાં લઈ જવાયા તેવા સમયે જ બોનક નામના શ્વાનને તેની ખબર પડી ગઈ હતી. તેથી માલિક બીમાર છે અને તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી રહ્યા છે. તે જોઈને તે શ્વાન એમ્બ્યુલેન્સનો પીછો કરી હોસ્પિટલ સુધી પહોંચ્યું હતુ. પહેલા તો હોસ્પિટલનો સ્ટાફ તે શ્વાનને જોઈને ગભરાયો હતો.
પરંતુ પછીથી સ્ટાફને જાણ થઈ કે જે વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેણે જ તેનું પાલન કર્યું છે. તેથી સ્ટાફ ગભરાયા વગર કે શ્વાન દૂર ખસેડ્યા વગર રાખ્યો હતો. હોસ્પિટલનો સ્ટાફ દરરોજ તેને ખાવાનું પણ ખવડાવવા લાગ્યો હતો. હોસ્પિટલમાં એડમિટ વૃદ્ધની દીકરીએ ઘણીવાર શ્વાનને ઘરે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ શ્વાનને તે મંજૂર ન હતુ. બીજી તરફ અઠવાડિયની સારવાર બાદ વૃદ્ધને રજા આપવામાં આવી હતી. માલિક હોસ્પિટલમાથી બહાર આવ્યા ત્યારે જ તે શ્વાન તેની સાથે ઘરે જવા તૈયાર થયો હતો. હર્ષની લાગણી અનૂભવતો આ શ્વાસ તે વૃદ્ધની વ્હીલચેર સાથે દોડ્યો હતો. હોસ્પિટલના સિક્યોરીટી ગાર્ડ મોહમ્મેટ અકડનિજે જણાવ્યું હતું કે શ્વાન લગભગ રોજ 9 વાગ્યે હોસ્પિટલ આવી જતો હતો. જે બાદ તે રાત થવા સુધી ત્યાં રાહ જોતો હતો. તે હોસ્પિટલમાં જતો ન હતો. પરંતુ જ્યારે જયારે દરવાજો ખુલતો ત્યારે તે માથું અંદર કરી માલિકને શોધતો હતો. આ જાણીને હોસ્પિટલના સંચાલકોએ તેમને ત્યાં દાખલ વૃદ્ધને શ્વાન સાથે મેળાપ કરાવવાનું પણ નક્કી કર્યું હતુ. વૃદ્ધ અને તે શ્વાન એકબીજા માટે અપાર લાગણી ધરાવે છે.