છેલ્લાં 11 મહિનાથી કોરોના સામે ઝઝૂમી રહેલા ભારતમાં બે સ્વદેશી વેકસીનને મંજૂરી અપાયા બાદ હવે દેશમાં રસીકરણની ઝુંબેશ હાથ ધરાઈ છે. અત્યાર સુધી ભારત સરકારે વેકસીનેશન માટે પ્રાથમિકતાને ધોરણે યોદી તૈયાર કરી છે. ઉપરાંત બે દિવસ દરમિયાન શહેરો સુધી વેકસીનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. હવે શનિવારે 16 જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના રસીકરણ અભિયાનનો આરંભ કરશે. આ સમયે તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 3006 સેશન સાઇટ્સ મોદીના વિડીયો કોન્ફરન્સિંગ સાથે જોડાશે. 16મી જાન્યુઆરીએ દરેક સેશન સાઈટ પર 100 લાભાર્થીઓને રસી આપવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા મોદી દેશના વિવિધ ભાગોના કેટલાક આરોગ્ય કર્મચારીઓ સાથે પણ વાતચીત કરશે. સાથે જ કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક એપ્લિકેશનની શરૃઆત પણ કરશે.
કો-વિનએ ભારત સરકાર દ્વારા વિકસિત કોવિડ-19 રસીકરણ ડિલિવરી પ્રોગ્રામનું ડિજિટલ પ્લેટફોર્મ છે, જેના દ્વારા રસીકરણ વિતરણ કાર્યક્રમ પર દેખરેખ રાખવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયે આ વિશે દાવો કરતા કહ્યું હતુ કે, આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે. તેથી રાષ્ટ્રપતિની કચેરી સાથે પરામર્શ કર્યા પછી આરોગ્ય મંત્રાલયે નિર્ણય કર્યો છે કે પોલિયો રસીકરણ દિવસ જેને ‘પોલિયો રવિવાર’ તરીકે મનાવવામાં આવે છે, તેને 31 જાન્યુઆરીએ યોજવામાં આવશે. પ્રધાનમંત્રી સાથે સંદેશાવ્યવહાર માટે મર્યાદિત રસીકરણ કેન્દ્રોની પસંદગી કરાઈ છે.
દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ અને સફદરજંગ હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ દ્વિ-માર્ગ સંદેશાવ્યવહાર માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તૈયાર છે. શનિવારે લગભગ ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવાનું આયોજન છે. જેમાં કોઈ પણ રાજ્ય સાથે ભેદભાવ નહીં કરાય. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિશિલ્ડ અને કોવાક્સિન રસીના 1.65 કરોડ ડોઝ ફાળવાયા છે. અભિયાનના પ્રથમ દિવસે 2,934 કેન્દ્રો પર લગભગ ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી અપાશે. દરેક રસીકરણ સત્રમાં વધુમાં વધુ 100 લાભાર્થીઓ રહેશે.