રાજકીય મંચ ઉપર કેટલું બધું બની ગયું એક અઠવાડિયાના ગાળામાં! એક તરફ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં, તો બીજી તરફ દક્ષિણના ટચુકડા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી (પોંડિચેરી)માં કોંગ્રેસે સત્તા ગુમાવી દીધી, તો ત્રીજી તરફ ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ- એમ પાંચ વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો અને લાસ્ટ બટ નોટ લીસ્ટ – કોંગ્રેસના 23 “પીઢ” નેતાઓએ જમ્મુમાં એકત્ર થઈ કેસરિયા સાફા પહેરીને કોંગ્રેસને પુનઃજીવિત કરવાની અસ્ટમપસ્ટમ વાતો કરી.
તો આજે આપણે આ છેલ્લા મુદ્દા વિશે વિગતે વાત કરીએ. કોંગ્રેસની મુશ્કેલી એ છે કે, તેને રાષ્ટ્રીય સ્તરના પક્ષ તરીકે ઓળખ જાળવી રાખવી છે ખરી, પરંતુ એ માટે રાષ્ટ્રીય સ્તરે નેતાઓ તથા કાર્યકરોમાં ઉત્સાહ અને ઊર્જા જગાવી શકે એવા નેતૃત્વનો સદંતર અભાવ છે. પક્ષ તેની પારિવારિક મજબુરીમાંથી બહાર નીકળી શકતો નથી અને હાલના તબક્કે એકપણ પારિવારિક નેતા સબળ અને સક્ષમ નથી. સોનિયા ગાંધી ઉંમર અને બીમારીને કારણે સક્રિય રહી શકતા નથી. રાહુલ ગાંધી પાસે જાણકારીનો અભાવ હોય છે અને તે દરેક ભાષણમાં ગોખેલા પાંચ વાક્યથી આગળ બોલી શકતા નથી. પ્રિયંકા વાડરા કદાચ તેમની પોતાની પારિવારિક જવાબદારીઓને કારણે પૂરતો સમય નહીં આપી શકતા હોય.
આ સંજોગોમાં વધારે ચિંતાજનક બાબત એ છે કે, કોંગ્રેસ એક તરફ વાતો લોકશાહીની કરે છે પરંતુ પક્ષનું નેતૃત્વ ગાંધી ખાન-દાન સિવાય બીજા કોઈ સક્ષમ નેતાની પાસે જાય એ મંજૂર નથી. કોંગ્રેસના 99 ટકા નેતાઓ-કાર્યકરો પક્ષનું નેતૃત્વ ગાંધી ખાન-દાન પાસે જ રહે તેવું ઇચ્છે છે કેમ કે આ નેતાઓ અને કાર્યકરો પ્રજાની અને એ દ્વારા દેશની સેવા કરવાની કોઈ જવાબદારી લેવા માગતા નથી. (ટીવી ઉપર રાજકીય વિશ્લેષણ માટે જવાનું થાય ત્યારે ઘણી વખત કોંગ્રેસના પ્રવકતાઓ મને ખાનગીમાં કહેતા હોય છે કે અમારા પક્ષમાં બધા નેતા જ છે, કાર્યકર કોઈ નથી.) કોંગ્રેસના આ 99 ટકા નેતાઓ-કાર્યકરો એ બાબતની ખાસ કાળજી લે છે કે, હાર-જીતની જવાબદારી તેમના ઉપર ન આવે. મીડિયા આ દરેક જવાબદારી છેવટે ગાંધી ખાન-દાન ઉપર ઢોળી દે, પરિણામે સ્થાનિક નેતાઓ-કાર્યકરો ટીકામાંથી બચી જાય. આવી સ્થિતિમાં કોંગ્રેસના જે નેતાઓ-કાર્યકરોના આત્મા ડંખે એ લોકો કાંતો પક્ષાંતર કરી લે અથવા વધારે વગદાર હોય તો પોતાનો પ્રાદેશિક પક્ષ બનાવી લે.
કોંગ્રેસમાં આ પરંપરા વડાપ્રધાન પંડિત લાલબહાદુર શાસ્ત્રીના તાશ્કંદમાં થયેલા આકસ્મિક નિધન બાદથી જોવા મળે છે. તે સમયે કોંગ્રેસના વગદાર – સક્ષમ – મજબૂત નેતાઓએ એકબીજાને વડાપ્રધાન બનવાથી દૂર રાખવા ઈન્દિરા ગાંધીને નેતા તરીકે આગળ કરીને કોંગ્રેસ પક્ષમાં કાયમી કાયમી ખુશામત અને કાયમી જૂથબંધીનાં બીજ રોપી દીધાં. છ દાયકા વિતવા છતાં હજુ આજે પણ આ પક્ષ ખુશામત અને જૂથબંધીમાંથી બહાર નીકળી શક્યો નથી. છૂટાછવાયા નેતાઓ નાસભાગ કરતા રહ્યા છે, એ સિવાય આટલા બધા સિનિયર નેતાઓએ આટલા મોટા પાયે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હોય એવું 1969 પછી પહેલી વાર બન્યું છે. હકીકત એ છે કે, 1969ના એ વિભાજન બાદ કોંગ્રેસ પક્ષનું અસ્તિત્વ લગભગ નષ્ટ થઈ ગયું હતું કેમ કે સંસ્થા કોંગ્રેસના નેતાઓએ ઈન્દિરા ગાંધીને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ જે પક્ષ બચ્યો તે કોંગ્રેસ (આઈ) અર્થાત ઈન્દિરા કોંગ્રેસ તરીકે ઓળખાયો જે આજ સુધી યથાવત્ છે. એ વાત અલગ છે કે, પક્ષે ચાલાકીથી તેને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (આઈ.એન.સી.) નામ આપી દીધું છે.
ખેર, તો હાલ જે 23 સિનિયર નેતાઓ ગામે-ગામ ફરીને કોંગ્રેસને બચાવવાની વાતો કરી રહ્યા છે અને આગામી સમયમાં કરવાના છે તેમાં ભાજપે કે તેના સમર્થકોએ ખુશ થવા જેવું કશું નથી. આમાંના એકાદ-બે નેતા ઉપર પણ જો કોંગ્રેસ શિસ્તની ચાબુક ઉગામશે એટલે બાકીના બધા પૂંછડી દબાવીને શાંત થઈ જશે અને ગાંધી ખાન-દાન પ્રત્યે ફરી નિષ્ઠા બતાવવા લાગશે. આ જૂથનું નેતૃત્વ ગુલામ નબી આઝાદ કરી રહ્યા છે. ગયા મહિને રાજ્યસભામાંથી તેમની નિવૃત્તિ વખતે વડાપ્રધાન મોદીએ જે રીતે તેમના વખાણ કર્યા તેના ઉપરથી એટલું સ્પષ્ટ છે કે, આઝાદ ટૂંક સમયમાં ગમેત્યારે કોઈ રાજ્યના રાજ્યપાલ બનશે. એમ કરીને પોતે ભાજપમાં જોડાયા નથી એવું સેક્યુલર બ્રિગેડને બતાવી શકશે અને સાથે કોંગ્રેસને લપડાક પણ મારી શકશે. બાકી કપિલ સિબ્બલ હોય કે મનીષ તિવારી હોય કે રાજ બબ્બર હોય – કોઇની પાસે વ્યાપક જનસમર્થન નથી અને તેથી કોંગ્રેસના ગાંધી ખાન-દાનને આ 23 પીઢ નેતાઓનો ડર લાગે એવું કોઈ કારણ નથી.
હકીકત એ છે કે, પરિવારના કોઈ સભ્ય હવે કોંગ્રેસને જીત અપાવી શકે એવું નથી એ દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે. છેલ્લાં છ-સાત વર્ષમાં દરેક ચૂંટણીમાં હાર પછી આ વરિષ્ઠ નેતાઓએ જ મીડિયા સમક્ષ આવીને પક્ષનો અને ગાંધી ખાન-દાનનો બચાવ કરવો પડે છે. પણ હવે એ બધા થાક્યા છે. જી-23માંના કોઈ નેતા પક્ષમાંથી રાજીનામાં આપી દે એવી શક્યતા ધૂંધળી છે, પરંતુ ચાર રાજ્ય તથા પુડુચેરી વિધાનસભા ચૂંટણી પછી અર્થાત બીજી મે, 2021 પછી કમ સે કમ આ લોકો એટલું તો કહી શકશે કે, “અમે તો ક્યારના પક્ષના નેતૃત્વને ચેતવતા હતા પણ અમારું કોઇએ સાંભળ્યું નહીં, તેથી આ પરિણામ આવ્યું.” અને એ રીતે આ બધા પોતાની વ્યક્તિગત છબિ બચાવવા હાલ કોંગ્રેસના ડૂબતા જહાજમાંથી કૂદી જવા માટે કિનારે આવીને ઊભા રહી ગયા છે, પણ કૂદશે નહીં એ પણ એટલું જ સાચું છે.
*રાજકાજ*
અલકેશ પટેલ