સુરતમાં વિવિધ હરકતોના વીડિયો ઉતારીને તેને વાયરલ કરવાની ફેશન બની ગઈ છે. ચાલુ સપ્તાહમાં જ આ પ્રકારના બે વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં યુવતી સુરતના ડુમસ રોડ પર ખતરનાક સ્ટંટ કરતી કેટીએમ બાઈક સાથે દેખાય હતી. જયારે બીજી ઘટનામાં ચાલુ બાઈકે ચૂંબનનું દ્રશ્ય કંડારીને તેને વાયરલ કરાયુ હતુ. જો કે, આ બંને ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 3 સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ગત રવિવારે ડુમસ રોડ પર વીઆરમોલ પાસે સ્ટંટ કરતી યુવતીને જોઈને કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ તરત જ હરકતમાં આવી હતી. વીડિયોમા બાઈક હંકારનાર યુવતીએ લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલું નજરે પડતુ હતુ. સાથે જ તે યુવતી માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિન્દાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારી રહી હતી. વીડિયોમાં વીઆરમોલ આસપાસના વિસ્તારોનો હોય, પોલીસે કેટીએમ બાઈક નં. જીજે ૨૨ – ૯૩૭૮ના રજી. સરનામાને આધારે બાઈકના માલિક મોહમદ બિલાલ રસુલભાઇ ઘાંચી સુધી પહોંચી તેની પુછતાછ કરી યુવતીને શોધી કાઢી હતી.
બાઈક માલિક મોહમદ બિલાલે પોતાની બાઇક ડુમસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડીંગ માટે આપી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે યુવતીને તરત જ શોધી કાઢી અટકમાં લીધી હતી. વળી ખુદ યુવતીએ જ સોશિયલ મીડિયામાં પોતાના સ્ટન્ટના વીડિયો અપલોડ કર્યો હતો. યુવતીની પૂછપરછ દરમિયાન તે બારડોલીની રહેવાસી અને કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું બહાર આવ્યું હતુ. આ ઘટના બાદ ગુરુવારથી સુરતનો બીજો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો હતો. જેમાં ચાલુ બાઈકે યુવક અને યુવતીની હરકતો નજરે પડતી હતી. આ વીડિયો પાલ વિસ્તાર આસપાસનો જણાયો હતો. વીડિયોમાં લગભગ ૮૦ કિમીની ઝડપે દોડતી બાઈક પર બાઈક હંકારી રહેલા યુવકની પાછળ તેની પ્રેમીકા યુવતી સવાર હતી.
એકાએક આ યુવતીએ ચાલુ બાઈકે આગળ બાઈકની ટાંકી પર આવીને યુવકના ખોળામાં બેસી જઈને જોરદાર ચુંબન ચોઢી દીધું હતુ. આ સ્ટન્ટથી બંનેનો જીવ જોખમમાં મૂકાવાની શક્યતા હતી. પરંતુ આમ છતાં તે બંને યુવક યુવતી બિન્દાસ્ત સ્ટંટ કરતા જણાયા હતા. વીડિયોના બેગ્રાઉન્ડમાં એક ગીત પણ વાગતું સંભળાતુ હતુ. આ વીડિયો સુરતના પાલ વિસ્તારમાં ઉતારવામાં આવ્યો હતો, જેમાં યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે ચાલુ બાઈકે પ્રેમ કરી રહ્યો હતો. આ વીડિયો સામે આવતા પોલીસ દ્વારા યુવક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી પછી આ યુવક અને યુવતીની શાન ઠેકાણે આવી ગઈ હતી. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની માફી પણ માગી હતી. પોલીસ તપાસમાં બાઈક પર સ્ટંટ કરનાર યુવકનું નામ અબ્દુલ રહેમાન હોવાનું બહાર આવ્યું છે. જયારે તેની સાથે બાઈક પર સવાર યુવતી તેની વાગદત્તા હતી. પોલીસે અબ્દુલ સામે IPCની કલમ 279 અનુસાર ગુનો દાખલ કર્યો છે. ઘટના અંગે યુવકે જણાવ્યું હતું કે, બે ચાર દિવસ પહેલા મેં એક વીડિયો અપલોડ કર્યો હતો. મેં બાઈક ચલાવવા સમયે હેલમેટ પહેર્યું નહોતું, માસ્ક પહેર્યું નહોતું અને બાઈક પર થોડો સ્ટંટ કર્યો હતો. પોલીસે આ બાબતોને ધ્યાનમાં રાખીને મારી સામે ફરિયાદ નોંધી છે. પોલીસે તેની પાસે દંડ વસૂલ્યો હોવાનું પણ તેણે કબૂલ્યું હતુ.