કોલંબિયામાં એક ઘરમાં પાર્ટીનું આયોજન થયું હતુ. આ સમયે આમંત્રિત મિત્રો સાથે બીજા માળે ડાન્સ કરી રહેલી એક યુવતી અચાનક નીચે પટકાઈ જતાં ત્યાં હાજર સૌકોઈએ ચીસો પાડી હતી. અકસ્માતની આ ઘટનામાં યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે ગાર્સિયાને ધક્કો મારવામાં આવ્યો હતો. જોકે, સિંગર મેલોડીએ જણાવ્યું હતું કે, કોઈએ ગાર્સિયાને ધક્કો માર્યો નથી. કોલંબિયામાં રહેતી ગ્રેસી ગાર્સિયા નામની યુવતીએ થોડા દિવસ પહેલાં તેના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતુ. આ સમયે તેણીએ પોતાના સ્નેહીઓ અને મિત્રોને આમંત્રિત કર્યા હતા. આયોજન પ્રમાણે તેના ઘરે પાર્ટીની શરૃઆત થઈ હતી. જે બાદ સિંગર એન્જેલ મેલોડી વિડીયો બનાવી રહ્યો હતો અને તેમાં ગાર્સિયા પાછળની બાજુ બારી તરફ ડાન્સ કરી રહી હતી. આ સમયે યુવતી પાસેની ઘરની બારી ખુલ્લી હતી. સંગીત અને ગીતોની ધૂન વચ્ચે તે યુવતી અને તેના મિત્રો ડાન્સ કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. ધીમે ધીમે પાર્ટીની રંગત જામતા ગાર્સિયા ખુરશી પર ઊભી થઈ ગઈ હતી. અને હવામાં હાથ ઊંચા કરી દીધા હતા.
આ સમયે અચાનક જ તેણીએ પોતાનું સંમતુલન ગુમાવી દીધું હતુ. તેથી તે તરત જ બીજા માળેથી બારીમાંથી નીચે પટકાઈ હતી. ગાર્સિયા નીચે પડી ગયાનું જોતા જ વાતાવરણ ચીસોથી ગૂંજી ઉઠ્યું હતુ. તેના ઘરે હાજર તમામ લોકો દોડીને તરત જ નીચે પહોંચ્યા હતા. બીજા માળેથી પટકાતા ગાર્સિયા જમની પર બેભાન થઈ ગઈ હતી. જે બાદ તેને તાબડતોબ એક કારમાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. જયાં ગાર્સિયાને 40 મિનિટ બાદ ભાન આવ્યું હતું. તેને ડાબા પગમાં ફ્રેક્ચર થવા સાથે ડાબો હાથ, ડોક અને માથામાં એકથી વધુ ઈજાઓ થઈ છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે ગાર્સિયાને ધક્કો મારવામાં આવ્યો હતો. જોકે, સિંગર મેલોડીએ જણાવ્યું હતું કે, કોઈએ ગાર્સિયાને ધક્કો માર્યો નથી.