ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. પરંતુ આ સાથે સૌથી મહત્વની બાબત સુરતમાં આમ આદમી પાર્ટીએ પહેલા જ પ્રયાસમાં 27 બેઠકો જીતી લેતાં ભાજપમાં સોપો પડી ગયો છે. આમ આદમી પાર્ટીએ આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. જયારે રાજકોટમાં આપને નોંધપાત્ર મત મળ્યા છે. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં આપની આ સફળતાથી ભાજપને ચિંતા પેંઠી છે. રાજ્યમાં શિક્ષણ, આરોગ્ય, પાણી અને વીજબીલ મુદ્દે આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યો હતો. વરાછામાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં ભાજપ અને કોંગ્રેસ નિષ્ફળ નીવડ્યા છે.
તેથી 30-30 હજાર મતથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. 22 વર્ષની પાયલે ભાજપના ઉમેદવાર કરતા 9,669 વધુ મત મેળવ્યા છે. પુણાગામ વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં રહેતી આ યુવતીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. પાયલની પાસે 50 હજારના ઘરેણા અને 92 હજાર રૂપિયાની સંપતિ છે. આ ચૂંટણીમાં સુરતના વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીની સૌથી નાની ઉંમરની ઉમેદવાર યુવતી પાયલ સાકરિયાએ વિજય મેળવ્યો છે. પાયલ પાટીદારના નામથી ઓળખાતી આ યુવતી ગુજરાતી ગીતોમાં એક્ટિંગ કરી ચૂકી છે. પાયલ સુરતમાં સૌથી નાની ઉંમરની ઉમેદવાર હતી. અને પહેલા જ પ્રયાસે તેને કોર્પોરેટર બનાવી દીધી છે. પાયલે જીત મેળવ્યા બાદ કહ્યું હતું કે, સુરત મહાનગરપાલિકામાં તે આમ આદમી પાર્ટીની વિચારધારા પ્રમાણે કામ કરશે.