ભારતમાં કોરોનાની મહામારીની બીજી લહેરને કારણે અનેક રાજ્યમાં કેટલાક પ્રતિબંધો લાગુ છે. તેવા સમયે ગુજરાત કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઈ જતાં રુપાણી સરકારે કેટલીક છુટછાટો આપી છે. રાજ્ય સરકારે 4 મહાનગરો ઉપરાંત 36 નગરોમાં નાના મોટા વેપાર ધંધાને પણ છુટ આપતા વેપારીઓને મોટી રાહત થઈ છે. જો કે, દેશના અન્ય રાજ્યમાં કોરોનાનું સંક્રમણ જારી હોવાથી ગુજરાતના ઉદ્યોગોને તેનો ફાયદો થવાની આશા છે. સુરતમાં ધંધા-ઉદ્યોગ ખુલતા જ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ધીમે ધીમે તેજી આવી રહી છે. દેશના અન્ય રાજ્યોમાં કાપડ બજારો બંધ છે. તેથી સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ઓનલાઈન ઓર્ડરમાં એક લાખ ઓર્ડરનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાંથી કુર્તી, સાડી, ડ્રેસ મટિરિયલના ઓનલાઈન ઓર્ડરની સરેરાશ સંખ્યા 5 લાખ રહેતી હતી. પરંતુ અન્ય રાજ્યમાં કોરોનાને કારણે મુકાયેલા પ્રતિબંધોમાં કાપડ માર્કેટો બંધ હોવાથી સુરતમાં ઓનલાઈન ઓર્ડરમાં એક લાખનો વધારો થયો છે.
હવે સુરતના ટેકસટાઈલ ઉદ્યોગને દરરોજ 6 લાખ જેટલા ઓર્ડર મળી રહ્યા છે. જે ઓર્ડર વધ્યા છે તે તમામ કોરોનાથી પ્રભાવિત રાજ્યો અને નિયંત્રણવાળા વિસ્તારો છે. તેથી સમયને વેડફવા નહીં માંગતા વેપારીઓ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ઓનલાઈન ઓર્ડર કરી રહ્યા છે. આ સાથે જ કાપડની માંગમાં વધારો થતાં રોજગારીની તકો વધવાના સંજોગો ઉભા થયા છે.
સુરતની ટેક્સટાઇલ માર્કેટ ખુલી જતા જ તેની જાણ દેશના વિવિધ રાજ્યોના વેપારીને થઈ છે. તેના જ કારણે ઓનલાઈન સેલિંગ કરનારાઓને પણ લાભ થયો છે. શહેરમાં પહેલા 3500 જેટલા ઓનલાઇન સેલર હતા અને હવે 4000 સેલર થયા છે. માત્ર ઓનલાઈન સેલિંગ દ્વારા જ રોજનું 36 કરોડનું ટર્ન ઓવર સુરતનું છે. ટેક્સટાઇલ માર્કેટ બંધ હોવાના કારણે ઓફલાઈન શોપિંગ બંધ હોવાથી લોકો વધારે પ્રમાણમાં ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં એક વર્ષમાં સાડી, કુર્તિ, ડ્રેસ મટીરીયલનું ઓનલાઇન વેચાણ કરતાં 500 જેટલા સેલર વધ્યા છે. એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતના પોર્ટલ પરથી રોજના 70થી 80 હજાર ઓર્ડર સુરતમાંથી સાડી અને ડ્રેસ મટિરિયલના આવી રહ્યા છે. જયારે અલગ-અલગ નાની-મોટી 20 જેટલી ઇ-કોમર્સ કંપની પણ પોતપોતાની રીતે સુરતના એકમોને ઓર્ડર આપી રહી છે.