ગુજરાત ટેકનોલોજીમાં દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે પરંતુ રાજ્યના હજી ઘણાં એવા વિસ્તારો છે જ્યાં સ્માર્ટફોન તો પહોંચી ગયા છે પરંતુ નેટવર્ક આપતી કંપનીઓ સારી સર્વિસ આપી શકી નથી. આવા જ હાલ ધરમપુર અને તેની આસપાસના ૪૦ થી વધુ ગામોના છે જ્યાં આજે પણ ટેકનોલોજીના અત્યાધુનિક યુગમાં મોબાઈલ નેટવર્ક નથી. આ ગામોમાં મોબાઈલ એક સામાન્ય રમકડા જેવા છે કારણ કે મોબાઇલ ફોનમાં નેટવર્ક આવતું જ નથી.
ધરમપુરથી ૩૫ કિમી દુર મામાભાચા નામનું એક ગામ આવ્યું છે. આ ગામ સહીતના આસપાસના 8 થી ૧૦ ગામોના સ્થાનિક વિધાર્થીઓ જેઓ ડીપ્લોમાં ડીગ્રી કોલેજ સહીતના અભ્યાસ કરે છે પરંતુ નેટવર્કની સમસ્યા હોવાને લીધે તેઓ ઓનલાઇન ક્લાસમાં ભાગ લઇ શકતા નથી. અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને ઓનલાઈન ક્લાસ માં હાજરી ભરવા માટે પોતાના ગામ મામાભાચા થી ૭ કિમી દુર આવેલા હનુમંતમાળ ગામે દરરોજ જવાની ફરજ પડી રહી છે. શિક્ષણ માટે બીજા ગામમાં જવું પડે એ જ રીતે હવે ઓનલાઇન ક્લાસ માટે પણ અન્ય ગામો જ્યાં નેટવર્ક આવતું હોય એવા ગામોમાં જવું પડે છે.
અહીંના એક સ્થાનિક ભાઇએ જણાવ્યું કે છેલ્લા ૧૦ વર્ષથી સતત તેઓ મોબાઈલ ટાવર મુકવા માટે અને નેટવર્કની સમસ્યા દુર કરવા માટે સ્થાનિક જીલ્લા પંચાયત સભ્ય ,ધારાસભ્ય અરવિંદ પટેલ, સાંસદ ડો. કે સી પટેલને પણ સતત રજૂઆત લેખિત અને મૌખિક બંને રીતે આપી હોવા છતાં પણ ધરમપુર વિસ્તારના લોકોની સમસ્યા ને દુર કરવામાં આવી રહી નથી. ધારાસભ્ય અને સાંસદ તેમની સાથે વાત કરવી તો દુર રહી પણ હવે સ્થાનિકોના ફોન પણ ઉપાડતા ના હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવવા માટે હવે ગામના લોકો આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો 15 દિવસમાં નેટવર્ક માટે કાર્યવાહી નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને સાંસદના ઘરે જઇને ઉપવાસ કરશે.