ગુજરાત રાજ્ય પોલીસ તંત્રમાં લાંબા સમયથી જેની કાગડોળે રાહ જોવાતી હતી તેવા બદલી હુકમો પૈકી ડીવાયએસપી લેવલના ૫૮ બદલીના હુકમો બહાર પાડવામાં આવ્યા છે. જો કે ઘણાને એવી નવાઈ લાગી કે ૪ વર્ષથી એક જ જિલ્લા કે શહેરમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલીના ઓર્ડર કેમ આવ્યા નથી. એક એવો પણ સવાલ થઇ રહ્યો છે કે અધિકારીઓને પોસ્ટિંગ બાકી કેમ રખાયા છે. પોસ્ટિંગ એક જ કારણથી રોકવામાં આવ્યા છે કારણ કેડીવાયએસપી લેવલે હજુ બે ઓર્ડર આવશે.
હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં બદલી પાત્ર છ-સાત અધિકારીઓ છે, જેમાંથી બે ની બદલી કરી દેવામાં આવી છે જ્યારે પાંચ અધિકારીઓની બદલીના હુકમ હજી આવ્યા નથી. વર્ષના અંતે વિધાન સભાની ચૂંટણી હોવાથી આ બધાને બદલવા ફરજિયાત છે અને આ સંખ્યા મોટી હોવાથી પહેલો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે જ્યારે હજુ બે ઓર્ડર નીકળવાના બાકી છે અથવા એમ કહી શકાય કે બે ઓર્ડર બહાર કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે. એક જ શહેર અને જિલ્લાઓમાં સતત પાંચ વર્ષથી ફરજ બજાવતા પીઆઇની યાદી સહિત તેમના વિશે અન્ય માહિતી સાથે પણ તૈયાર કરવામાં આવી રહી હોવાની ચર્ચા રાજકીય વર્તૂળોમાં ચાલી રહી છે.
આઇપીએસના સ્તરે જો વાત કરવામાં આવે તો વિધાનસભા ચૂંટણી ધ્યાનમાં રાખી તથા બદલાયેલા સંજોગો ધ્યાને રાખી જે સરકાર તેમજ પાર્ટીના પદાધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ યાદી સાથે મળી તેને અંતિમ મહોર મારવા માટે કવાયત ચાલી રહી છ. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સારી છાપ ધરાવતા અને કડક હાથે કામ લેવાની ક્ષમતા સાથે બિનજરૂરી વિવાદ પેદા ન કરે તેવા અધિકારીઓને મહત્ત્વ આપવામાં આવશે. અમુક અધિકારીઓની માંગણી જુદા જુદા બે- ત્રણ સ્થળેથી આવી હોવાની પણ ચર્ચા છે. આવા સંજોગોમાં બધાને પૂછપરછ કરી એક સ્થળ ફાઇનલ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓની બદલી અને નિમણૂકમાં આ વખતે દિલ્હીના રિમોટને બદલે દક્ષિણ ગુજરાત રાજ્ય સરકારના સલાહકાર, આઇએએસ મળી નિર્ણય કરી નવી સિસ્ટમ સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.