બિહારના સારણ જિલ્લામાં દારૂના કારણે થયેલા મોત પર મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એકવાર નિવેદન આપ્યું છે. સીએમ નીતિશ કુમારે બિહાર વિધાનસભામાં છપરા દારૂના મામલામાં કહ્યું કે સરકાર દારૂના કારણે થયેલા મૃત્યુ માટે વળતર નહીં આપે. વિધાનસભા સત્ર દરમિયાન સારણ દારૂના મામલામાં થયેલા હોબાળા વચ્ચે નીતિશ કુમારે પુનરોચ્ચાર કર્યો હતો કે જો તમે દારૂ પીશો તો તમે મરી જશો. તેમણે પ્રતિબંધને યોગ્ય ઠેરવવા માટે ભગવાન કૃષ્ણનો પણ ઉલ્લેખ કર્યો હતો. સત્તાવાર રીતે છપરામાં ઝેરી દારૂના કારણે 30થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સ્થાનિક લોકોના મતે આ આંકડો 50થી વધુ છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભા સત્ર દરમિયાન સીપીઆઈ ધારાસભ્ય સતેન્દ્ર કુમારની વળતરની માંગ પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે જે વ્યક્તિ દારૂ પીને મૃત્યુ પામે છે, તેને એક પૈસાનું વળતર આપવામાં આવશે નહીં. સીપીઆઈ ધારાસભ્ય સતેન્દ્ર કુમારે મૃતકોના પરિજનોને વળતરની માંગ કરી હતી. નીતીશ કુમારે કહ્યું કે દારૂના કારણે થતા મૃત્યુ વિશે પૂછવામાં આવી રહ્યું છે કે આ મૃત્યુ ક્યાં સુધી અટકશે? અમે કહીશું કે તે સ્પષ્ટ રીતે લખેલું છે કે દારૂના સેવનથી મૃત્યુ થશે.
શુક્રવારે બિહાર વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે સરકાર આ સમગ્ર મામલાને લઈને ગંભીર છે અને આ દારૂ કાંડમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ પર આડકતરો પ્રહાર કરતાં તેમણે કહ્યું કે જેઓ દેશ પર રાજ કરી રહ્યા છે, તેમના રાજ્યમાં શું સ્થિતિ છે, ત્યાં પણ દારૂબંધી છે. આજે આપણે અલગ થઈ ગયા છીએ તેથી તેઓ હોબાળો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં બે જ એવા રાજ્યો છે જ્યાં દારૂબંધીનો કાયદો છે. ગુજરાત બાદ દારૂબંધીનો કાયદો લાગુ કરનાર બિહાર બીજું રાજ્ય બન્યું હતું. ગુજરાતમાં પણ ઝેરી દારૂ પીવાને લીધે લોકોનાં મોતનો મામલાઓ સામે આવતાં હોય છે. ભાજપ બિહારમાં દારૂબંધીનો કાયદો ખતમ કરવા માંગ કરી રહી છે જ્યારે ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં દારૂબંધી પર કાયદો યથાવત છે.