રાજ્યમાં વીજ સંકટ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે એવામાં હવે ઉદ્યોગો પર વીજકાપ ઝીંકવાનું સરકાર દ્વારા શરુ કરી દેવામાં આવ્યું છે. ઉદ્યોગોને દર સપ્તાહે એક દિવસ વીજ સપ્લાય બંધ કરી દેવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને એ દિવસે રજા રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા રાજ્યની વીજકંપનીઓને એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે જેમાં અઠવાડિયા દરમિયાન એક દિવસ વીજકાપ લગાવવાં કહેવામાં આવ્યું છે. ખેતરમાં સિંચાઈ માટે પૂરતી વીજળી મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સિંચાઇ માટે વીજળી ન મળતી હોવાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વિરોધને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વારાફરતી એક-એક દિવસ ઉદ્યોગોને વીજ સપ્લાય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પરિપત્ર મુજબ ગાંધીનગર, વલસાડ અને નવસારીમાં સોમવારે વીજકાપ રહેશે. અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને અરવલ્લીમાં મંગળવારે વીજળીનો કાપ રહેશે. બુધવારે રાજકોટ અને મોરબીમાં તો ગુરૂવારે મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર અને ડાંગમાં વીજળી કાપ હશે. શુક્રવારના દિવસે ખેડા, ભરૂચ, નર્મદા, પોરબંદર, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકામાં વીજકાપ રાખવામાં આવશે. શનિવારે સમગ્ર કચ્છમાં વીજકાપ મુકવામાં આવશે. રવિવારની વાત કરીએ તો આ દિવસે સુરત, પાટણ, વડોદરા, તાપી અને છોટા ઉદેપુરમાં વીજકાપ રહેશે. આ દિવસો દરમિયાન ઉદ્યોગોને વીજળી આપવામાં આવશે નહીં.
ખેતરમાં સિંચાઇ માટે ખેડૂતોને યોગ્ય વીજળી આપવા ઔધોગિક એકમો પર પાવર કાપ મૂકવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમનો એક પરિપત્ર સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, અઠવાડિયામાં ઇન્ડસ્ટ્રીઝ યુનિટ પર એક દિવસનો વીજકાપ રાખવામાં આવશે. સરકારે ખેડૂતોને 8 કલાક નિયમિત વીજળી આપવાની જાહેરાત કરી હતી અને તેની આપૂર્તિ માટે ઉદ્યોગોને એક દિવસ માટે વીજળી કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.