પ્રજાસત્તાક દિને રાજધાની દિલ્હીમાં કિસાનોની ટ્રેકટર પરેડ દરમિયાન વ્યાપકપણે હિંસા થતાં પોલીસ અને ખુદ સરકાર સામે સવાલો ઉઠયા છે. રેલીને મંજૂરી આપવા છતાં પુરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના આરોપોથી પોલીસ અને ગૃહમંત્રાલય ઘેરાવા માંડ્યું છે. સવારે 11 વાગ્યાથી જ શરૃ થયેલી બબાલમાં ખેડૂતોને પોલીસે રોકતા વિવાદ થયો હોવાનો આક્ષેપો સામે પોલીસે અને સરકારે ખેડૂતોએ મંજૂરીની શરતોનું ઉલ્લંઘન કર્યાનો વળતો આરોપ મુક્યો છે. સાંજ સુધી મીડિયામાં પણ હિંસાના દ્રશ્યો ચમકતા રહેતા મોદી સરકાર માટે ફરી નીંચાજોણુ થયું હતુ. કારણ કે મંગળવારે દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી.
ઘટનાને પગલે ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારે સાંજે જ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા છે. બેઠકમાં ખેડૂતોના દિલ્હીમાં પ્રવેશ બાદ થેયલી હિંસા અંગે તથા દિલ્હીની બગડેલી સ્થિતિને લઇને ચર્ચા કરાઈ હતી. હજુ પણ સ્થિતિને થાળે પાડવા દિલ્હીમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવા મંત્રાલયે આદેશ આપ્યા હતા. જયારે એડીશનલ ફોર્સને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મંગળવારે દિલ્હીમાં જવાનોની પરેડ પછી ખેડૂતોએ દિલ્હીની બોર્ડર પરથી ટ્રેક્ટર રેલીની શરૂઆત કરી હતી. આ રેલીમાં ખેડૂતોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જ મામલો બિચક્યો હતો. ખેડૂતોએ દિલ્હીમાં જેટલીક જગ્યાઓ પર તોડફોડ શરૂ કરી હતી. પોલીસ સાથેના ઘર્ષણમાં માત્ર ખેડૂતો જ નહીં પોલીસના 83થી વધુ જવાનો ઘવાયા હતા.
ખેડૂતોએ લાલ કિલ્લા પર કિલ્લાના ગુબ્બ્જ પર પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો. ખેડૂતોને હિંસા કરતા અટકાવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. આ હિંસા બાદ સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, અમારા તમામ પ્રયાસ હોવા છતાં પણ સંગઠનો અને લોકોએ બનાવામાં આવેલા નિયમોને તોડ્યા છે. જે નિંદાને યોગ્ય છે. શાંતિપૂર્ણ ચાલતા આંદોલનમાં કેટલાક અસામાજિક તત્વો ઘૂસી જતા આ સ્થિતિ સર્જાઈ હતી. અમે એ નક્કી કર્યું હતું કે, શાંતિ જ આપણી સૌથી મોટી તાકાત છે. શાંતિનો ભંગ આપણા આંદોલનને અસર કરી શકે છે. બીજી તરફ રાહુલ ગાંધીએ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતુ. પરંતુ તેમણે હિંસાને અયોગ્ય ઠેરવી હતી.