હવે ઓટો સેક્ટરમાં પણ ભાવ વધારો શરૂ થઇ જાય એવા સંકેત મળી રહ્યા છે. હોન્ડાએ તો તેની ગાડીના ભાવમાં વધારો કરવાનો નિર્ણયકર્યો છે. ઓગષ્ટ મહિનાથી તેની ગાડીઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. સ્વાભાવિક છે કે સ્ટીલ અને અન્ય મેટલ્સ મોંઘી થઇ છે, તેને કારણે ગાડીઓના ભાવમાં વધારો કરવો પડશે એવી સ્પષ્ટતા પણ થઇ રહી છે. હોન્ડા કાર્સ ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને ડાયરેક્ટર રાજેશ ગોયલે આગામી ઓગષ્ટમાં કારના ભાવમાં થઇ રહેલા ભાવ વધારા અંગે જણાવ્યું હતું કે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ધાતુઓના ભાવમાં થયેલા વધારાને કારણે કારના ભાવમાં વધારો કરવાની નોબત આવી છે. ધાતુ મોંઘી થતાં કારની પડતર કિંમતમાં વધારો થઇ રહ્યો છે.
સ્વાભાવિક છે કે કોરોનાની બબ્બે કહેર બાદ લોકો પાસે કાર ખરીદવા જેટલી શક્તિ બચી નથી, ત્યારે તેના ભાવમાં વધારાથી વેચાણ ઘટવાની પણ સંભાવના રહે છે. આ સંજોગોમાં કારના ઉત્પાદન ખર્ચમાં કેટલો વધારો થાય છે, એ અંગે ગણતરી માંડીને તેમાંથી કેટલો ખર્ચ ભાવ વધારારૂપે ગ્રાહકો ઉપર લાદવો એ અંગે અત્યારે કંપની વિચારણા કરી રહી હોવાનું રાજેશ ગોયલે જણાવ્યું હતું. હાલમાં કંપની ભારતમાં હોન્ડા સિટી, અમેઝ સહિત કારના જુદા જુદા મોડેલ વેચી રહી છે. આ કારોના ભાવમાં કેટલો વધારો થશે એ અંગે કંપનીએ કોઇ ફોડ પાડ્યો નથી. પરંતુ ઓગષ્ટથી ભાવ વધારો થશે એ નિશ્ચિત છે.
યાદ રહે કે ઓટો સેક્ટરમાં થઇ રહેલા ભાવ વધારાની પહેલ મારૂતિ ઇન્ડિયાએ કરી હતી. ઉત્પાદન ખર્ચ વધતાં મારૂતિએ 2021માં ત્રીજી વખત ભાવ વધારો કરી ચૂકી છે. મારૂતિ ઇન્ડિયાએ તેની કારોના જુદા જુદા મોડેલ ઉપર 34 હજાર રૂપિયા સુધીનો ભાવ વધારો કર્યો છે. હવે હોન્ડા પણ તેના જુદા જુદા મોડેલ ઉપર ભાવ વધારો ઝીંકી રહી છે. તમામ સેક્ટરમાં અત્યારે મોંઘવારી વધી રહી છે, ત્યારે ઉત્પાદન ખર્ચ વધતાં તેનો બોજો ગ્રાહક ઉપર લાદવા માટે મોટા ભાગની ઓટો કંપનીઓએ તૈયારી કરવા માંડી છે. અત્યારે એમ પણ ખરીદી ઓછી થઇ રહી છે, તેમાં ભાવ વધવાથી વેચાણ ઉપર કોઇ અસર થાય છે કે કેમ એ તો સમય જ કહેશે.