શુક્રવારે મલેશિયાએ પાકિસ્તાનના મુસાફરો ભરેલું આખે આખુ પ્લેન જ કબજે કરી લેતા દુનિયામાં ચકચાર મચી ગઈ હતી. આ કાર્યવાહી મલેશિયાની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જજ દ્વારા થયેલા આદેશ બાદ કરવામાં આવી હતી. ઘટના બાદ તરત જ પાકિસ્તાને મલેશિયાના આ પગલા સામે આપત્તિ દર્શાવી હતી. પાકિસ્તાન ઈન્ટર એરલાઈન્સે વર્ષ 2015માં એક વિયેતનામની કંપની પાસેથી બોઈંગ-777 સહિત બે એરક્રાફ્ટ લીઝ પર લીધા હતાં. આ પ્લેન બાબતે બંને દેશ વચ્ચે કોઈ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. દરમિયાન મલેશિયાની એક સ્થાનિક અદાલતે આ વિવાદમાં કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જે બાદ તરત જ વિમાનને જપ્ત કરવા માટે કાર્યવાહી શરૃ કરાઈ હતી. તે વખતે મલેશિયાના કુઆલાલંપુર એરપોર્ટ પર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના બોઈંગ-777 વિમાનો હાજર હતા. જેમાં મુસાફરો પણ સવાર હતા. પરંતુ તે એરપોર્ટ પર જ હોવાથી મલેશિયાએ તરત જ આ બે વિમાનોને જપ્ત કરી લીધા હતા. એરક્રાફ્ટ જપ્ત થતા સ્ટાફ અને તમામ મુસાફરો કુઆલાલુમ્પુરમાં જ ફસાઈ ગયા હતા. PIAએ પાકિસ્તાનની સરકારને કુટનૈતિક સ્તરે આ મુદ્દાનો ઉકેલ લાવવાની માંગણી કરી હતી.
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે ભૂતકાળમાં પ્લેનને ભાડેથી લીધા હતા. જે બાદ તેનું ભાડુ ચુકવવામાં અખાડા થતા રહ્યા હતા. આ મામલે કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો હતો. જેમાં પાકિસ્તાનની જવાબદેહી નક્કી કરાઈ હતી. શુક્રવારે પાક. એરલાઈન્સના બે વિમાનો જપ્ત થતાં જ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો. PIAએ મલેશિયાના આ પગલા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પીઆઈએએ જણાવ્યું હતુ કે, બે પ્લેનને જપ્ત કરાયા ત્યારે તેમાં મુસાફરો પણ સવાર હતાં. પ્લેનમાં સ્ટાફના 18 સભ્યો ફરજ બજાવી રહ્યા હતાં. હવે આ ઘટના બાદ જપ્ત કરાયેલા વિમાનમાં સવાર તમામ મુસાફરોને 14 દિવસ માટે કવોરોન્ટાઈન કરી દેવાશે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે પણ ટ્વિટ કરીને ઘટનાની પુષ્ટિ કરી હતી. ટ્વીટમાં પીઆઈએએ લખ્યું હતુ કે, મલેશિયાની એક સ્થાનિક કોર્ટના આદેશ બાદ અમારા બે પ્લેન ત્યાં જપ્ત કરાયા છે. PIA અને યૂકે કોર્ટમાં ત્રીજા પક્ષ વચ્ચે પડતર કાયદાકીય લડાઈને લઈને આ એક તરફી નિર્ણય લેવાયો છે. આમ છતા અમો તમામ મુસાફરોની દેખરેખ માટે કટિબદ્ધ છે. ફસાયેલા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા તજવીજ શરૃ કરાઈ છે. મલેશિયાનું આ પગલું અમારા માટે આઘાતજનક છે.