વડાપ્રધાન મોદીએ તેમના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે, જેમાં પાંચ ગુજરાતી સાંસદોને મંત્રીપદુ મળ્યું છે. એ સાથે ગુજરાતમાં સાત મંત્રીઓ છે. આ સાત મંત્રીઓ પૈકી સૌથી લોકસભાની 2019ની ચૂંટણી તથા 2018ની રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી સાથે કરવામાં આવેલી એફિડેવિટના આધારે મંત્રી માંડવિયા પાસે કાર નથી, તો 8 કરોડની સંપત્તિ સાથે રૂપાલા સૌથી ધનવાન ગુજરાતી મંત્રી છે.
મંત્રીમંડળમાં સ્થાન પામેલા પાંચ ગુજરાતી મંત્રીઓમાંથી એક ડોક્ટર, એક પોસ્ટ ગ્રેજ્યુએટ, 2 ગ્રેજ્યુએટ અને એક ડિપ્લોમા ઇજનેર છે. આ પાંચ મંત્રીઓમાંથી સૌથી ઓછી વયના મંત્રી મનસુખ માંડવિયા છે, તેઓ નવા પ્રધાનમંડળમાં આરોગ્ય મંત્રી બન્યા છે.જ્યારે ફિશરીઝ અને પશુપાલન- ડેરી વિભાગના મંત્રી બનેલા પુરૂષોત્તમ રૂપાલા સૌથી મોટી વયના ગુજરાતી મંત્રી છે. સાઇકલ લઇને સંસદમાં જતા આરોગ્ય મંત્રી માંડવિયા પાસે એક પણ કાર નથી, જ્યારે રૂપાલા પાસે 8 કરોડની સંપત્તિ છે.
48 વર્ષના માંડવિયા રાજ્યસભાના સાંસદ છે. તેઓ પોલિટીકલ સાયન્સ સાથે એમ.એ. થયા છે. તેમની પાસે એક પણ વાહન નથી. તેમની પાસે 29.33 લાખની જંગમ મિલ્કત છે, તો પત્નીના નામે 11.38 લાખની જંગમ મિલ્કત છે. 10.50 લાખના દાગીના છે.
66 વર્ષના પુરૂષોત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ છે. તેઓ બી.એસસી. – બી.એડ થયેલા છે. તેમની પાસે એક કાર છે,જ્યારે જંગમ મિલ્કત 2.38 કરોડની છે. પત્ની પાસે 2.61 કરોડની જંગમ મિલ્કત છે. 50 લાખના દાગીના છે.
60 વર્ષના સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ બી.કોમ. થયેલા છે. તેમની પાસે 3 કાર અને પતિ પાસે બે એક્ટિવા છે. તેમની પાસે 1.02 કરોડની જંગમ મિલ્કત છે. પતિ પાસે 43.54 લાખની જંગમ મિલ્કત છે. દાગીના 13.50 લાખના છે.
56 વર્ષના દેવુસિંહ ચૌહાણ ઇલેક્ટ્રીકલ ઇજનેર છે. તેમની પાસે એક પણ વાહન નથી. તેમની પાસે 29.90 લાખની જંગમ મિલ્કત છે. પત્ની પાસે 15.62 લાખની જંગમ મિલ્કત છે. ઝવેરાત 8.80 લાખનું છે.
જ્યારે 52 વર્ષના ડૉ. મહેન્દ્ર મુંજપરા એમ.ડી. થયેલા છે. તેમની પાસે જંગમ મિલ્કત 92.75 લાખ રૂપિયા છે. પત્નીના નામે 1.09 કરોડ રૂપિયાની જંગમ મિલ્કત છે. ઝવેરાત 2.30 લાખનું છે. જ્યારે વાહનમાં ત્રણ એક્ટિવા છે.