પ્રેમ પાગલ હોય છે, પ્રેમ આંધળો હોય છે વગેરે વગેરે વાતો અને કહેવતો અત્યાર સુધી આપણે સાંભળી છે. અનેકવાર તે અંગેના ઉદાહરણો પણ જાણ્યા છે. હાલમાં રાજસ્થાનમાં પ્રેમમાં પાગલ બે ભાઈના કૃત્યએ ભારે ચકચાર મચાવી છે. રાજસ્થાનના જયપુર પંથકમાં વિશ્વ મહિલાદિને બનેલી ઘટનામાં બે પિતરાઈ ભાઈએ એકસાથે જીવન ટુંકાવી લીધું હતુ. જેનું કારણ તે બંને એક જ યુવતીના પ્રેમમાં પાગલ હોવાનું બહાર આવ્યું છે. બંને યુવકોએ યુવતીનું નામ હાથ પર લખીને આપઘાત કરી લેતાં જયપુર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. રાજસ્થાનના બુંદી જિલ્લામાં આવેલા કેશવપુરા ગામમાં મહેન્દ્ર ગુર્જર અને દેવરાજ ગુર્જર નામના બે યુવકો રહેતા હતા. આ બંને ભાઈઓએ રવિવારે એકાએક ગુડલા ગામ પાસે આવેલા રેલવે ટ્રેક પર ધસી જઈને ધસમસતી ટ્રેન સામે પડતુ મુકી દીધું હતુ. બંને ભાઈઓના એકસાથે આપઘાતની ઘટનાથી ગામમાં સનસનાટી મચવા સાથે અટકળો શરૃ થઈ હતી. ઘટનાની જાણ સ્ટેશન માસ્તરને થતા તેમણે ઘટના અંગે પોલીસને જાણ કરી દીધી હતી. આ ઘટનામાં ટ્રેનની ટક્કર પછી એક યુવકનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. તેથી પોલીસે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોસ્ટમોર્ટમ પછી પોલીસે મૃતદેહોને પરિવારના સભ્યોને સોંપી દીધા હતા.
બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ તપાસમાં જોતરાઈ ગઈ હતી. જેમાં તેમના હાથ પર કોઈ આશા નામની યુવતીનું નામ લખ્યું હોવાનું જણાયું હતુ. જો કે, બંને ભાઈઓના હાથ પર લખાયેલુ નામ એક જ હોય, પોલીસ થોડીવાર માટે મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. રેલવે ટ્રેક પર પહોંચેલી પોલીસે રેલવે ટ્રેક તથા મૃતકના ઘરમાં પ્રાથમિક તપાસ કરી હતી. પરંતુ સ્યૂસાઈડ નોટ જેવું કશુ મળ્યું ન હતુ. જો કે, પોલીસને રેલવે ટ્રેક પાસેથી એક બાઈક મળી આવી હતી. બંને યુવકોના હાથ પર એક યુવતીનું નામ લખેલું હોવાથી પોલીસે તે દીશામાં તથ્યો અને પુરાવા શોધવા કવાયત કરી હતી. પોલીસે તે આશા નામની યુવતીની જ શોધખોળ શરૃ કરી દીધી હતી.
આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, મહેન્દ્ર અને દેવરાજે આપઘાત કરતા પહેલા એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને આ વીડિયોમાં તેઓ એમ કહેતા નજરે પડ્યા હતા કે, હવે જીવવાની ઈચ્છા નથી. અમારા મોત બાદ તમે કોઈ સાથે ઝઘડો કરશો નહીં. આવું કરશો તો અમારા આત્માને શાંતિ મળશે નહીં. ક્યારેક તો જવાનું હતું. દુખી ન થતા. બંને યુવકોના આપઘાત પછી એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આ બંને યુવકો ગીત ગાઈ રહ્યાનું પણ જણાતુ હતુ. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરીને બંને યુવકોના આપઘાત પાછળ પ્રેમપ્રકરણ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તેની તપાસ શરૃ કરી છે.