દેશભરમાં કોરોના સામેનું રસીકરણ શરૂ થઇ ગયું છે. સરકારી દવાખાનામાં 60 વર્ષથી વધુ વયના લોકો માટે વિનામૂલ્યે કોરોનાની રસીનું વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. લાખ્ખો લોકોને આ રસી મૂકાઇ ગઇ છે. પરંતુ હવે સરકારે એ અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીએ દેશભરમાં કેર મચાવ્યો છે. જો કે સરકારે તેમાં કડક લોકડાઉન કરવાને કારણે તેના પર થોડું નિયંત્રણ આવ્યું છે. પરંતુ ચૂંટણી અને રમતજગતની સક્રિયતાને પગલે ફરીથી કોરોના વકરી રહ્યો છે. એ કારણસર જ ફરીથી નિયંત્રણના ઘણા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર , કેરળ અને પંજાબમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે. એ સાથે જ કોરોનાની રસીનું વેક્સિનેશન પણ શરૂ થઇ ગયું છે. પરંતુ હવે નવા સંજોગોમાં કેન્દ્ર સરકારે રસીકરણ અંગે રાજ્ય સરકારોને વિશેષ સુચના આપી છે.
કોરોનાની રસીના બે ડોઝ લેવાના હોય છે. એ બે ડોઝ વચ્ચે પહેલાં લગભગ એક મહિનાનો સમય ગાળો રખાતો હતો. મતલબ કે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધા બાદ 28 દિવસ બાદ કોરોનાની બીજી રસી મૂકાવવાની રહેતી હતી. આ બે રસી લીધા બાદ એકાદ મહિના બાદ શરીરમાં એન્ટીબોડી પેદા થાય છે,જે તમને કોરોનાના સંક્રમણથી બચાવે છે. અત્યાર સુધી એ રીતે જ કોરોનાની બે રસી મહિનાના સમયગાળામાં અપાતી રહી છે. પરંતુ હવે સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
કોવિશિલ્ડ નામની આ કોરોના રસીના બે ડોઝ વચ્ચે 28 દિવસ નહીં પણ 6 થી 8 અઠવાડિયા એટલે કે દોઢ થી બે મહિનાનો સમય ગાળો રહેવો જોઇએ. પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશિલ્ડ રસીનો ઉપયોગ ભારતમાં વધુ થઇ રહ્યો છે. નવા સંશોધન મુજબ આ રસીના બે ડોઝ વચ્ચે બે મહિનાનો સમયગાળો રાખવામાં આવે તો તેના સારા પરિણામ મળે છે.
દેશમાં પહેલા તબકકાનું રસીકરણ 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું. એ વખતે કોરોનાના ફ્રન્ટલાઇન વોરિયર્સને રસીકરણ કરવામાં આવ્યું હતું. હવે દેશભરમાં રસીકરણનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે, જેમાં સીનિયર સીટીઝનને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત 45 વર્ષથી વધુ વયના લોકોને પણ ગંભીર બિમારી હોય તો કોરોનાની રસી મૂકાઇ રહી છે. આ બીજો તબક્કો શરૂ થયો છે, ત્યારે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડીને બે ડોઝ વચ્ચેનો સમય વધારીને બે મહિના કરી દીધો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના રસીના 3.55 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે લગભગ 75 લાખ બીજા ડોઝ આપવામાં આવ્યા છે. તમે પણ સીનિયર સીટીઝન હો કે ગંભીર બિમારી ધરાવતા 45 વર્ષથી વધુ વયના હો તો તમારા નામની નોંધણી કરાવીને રસી લઇ શકો છો. પહેલો ડોઝ આપવામાં આવે ત્યારે જ બીજા ડોઝની તારીખ આપવામાં આવે છે.