સમયાંતરે દુનિયાના ધનિકો વિશેના સરવે થતા રહે છે. કંપની અને ઉદ્યોગોના વિકાસ ગ્રાફને આધારે તેની નોંધ કરવામાં આવે છે. છેલ્લાં ચાર પાંચ વર્ષની દુનિયા અને એશિયાના ટોપ ટેન ધનિકોમાં ભારતના ઉદ્યોગપતિઓના નામ પણ ચમકી રહ્યા છે. આ વર્ષે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિની નોંધ લેવાઈ છે. મુકેશ અંબાણીએ તેમની સંપત્તિમાં 8.1 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. અદાણી ભારતમાં બંદરો, એરપોર્ટ, ડેટા સેન્ટર અને કોલસાની ખાણોને જોડીને ઝડપથી તેના ગૃપનું વિસ્તરણ કરી રહ્યા છે. અદાણીએ કમાણી કરવાની ઝડપમાં એલોન મસ્ક અને જેફ બેઝોસને પણ પાછળ છોડી દીધા છે. વિશ્વના અબજોપતિની સંપત્તિમાં થયેલા વધારાની સરખામણી કરાતા અદાણીએ આ બાબતે મેદાન માર્યું છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં અદાણીની પ્રગતિ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેની સંપત્તિ 2021ના માત્ર થોડા મહિનામાં 16.2 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર થઈ ગઈ છે. એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને પાછળ છોડીને અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના અધ્યક્ષ ગૌતમ અદાણી સૌથી વધુ પૈસા કમાનાર વ્યક્તિ બની ગયા છે. આ વર્ષે અદાણી ગ્રુપના એક સ્ટોક સિવાય તમામમાં 50%ની તેજી નોંધવામાં આવી છે. શેર બજારમાં તેની કંપનીઓમાં Adani Total Gas Ltd. ના સ્ટોક 96%, Adani Enterprisesમાં 90%. Adani Transmission Ltd.માં 79%. Adani Power Ltd. અને Adani Ports and Special Economic Zones Ltd. માં 52%નો વધારો નોંધાયો છે. Adani Green Energy Ltd ગયા વર્ષે 500% ઉછળ્યો હતો અને આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 12%નો વધારો જોઈ શકાયો છે. પોર્ટથી લઈને વીજ પ્લાન્ટના કારોબારમાં અદાણી ગ્રુપ ખાસ રુચી રાખે છે. તેથી રોકાણકારોનો તેનામાં વિશ્વાસ વધ્યો છે. ભારતીય શેરબજારમાં તેની ગ્રુપ ઓફ કંપનીના શેરની કિંમત પણ ઉછળી રહી છે. તેથી અદાણીની તીજોરીમાં પણ અબજો રૂપિયા ઠલવાયા છે.