હવે દુનિયાના ઘણા દેશો કોરોનાને કારણે લાદેલા નિયંત્રણો હળવા કરવા માટે તૈયારી કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કેરમાં દુનિયા જાણે થંભી ગઇ હોય એવી સ્થિતિ છે. ઘણા લોકો હવે ઘરમાં પૂરાઇ રહીને કે માસ્ક પહેરવા જેવા નિયંત્રણોથી અકળાઇ ગયા છે. એ સંજોગોમાં સરકાર પણ આર્થિક નબળાઇ દૂર કરવા માટે અનલોક પ્રક્રિયા કરી રહી છે, ત્યારે દુનિયાના 24 દેશોમાં કોરોનાનું સંક્રમણ ભારે ઝડપથી થઇ રહ્યું છે, તેને પગલે વિશ્વ આરોગ્ય સંગઠને ચેતવણી આપી છે કે કોઇ પણ દેશે સંપૂર્ણ નિયંત્રણો હટાવી લેવાની મૂર્ખામી કરવી જોઇએ નહીં.
વિશઅવ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે જ્યાં સુધી એક પણ દેશમાં કોરોનાનું સંક્રમણ ચાલુ રહેશે, ત્યાં કોઇ પણ દેશ તેનાથી સાવ બચી શકે નહીં. ડેલ્ટા વેરિયન્ટે કોરોનાના ઓછા થતા જોખમને વધારી દીધું છે. હાલમાં કુવેત, ઇરાક, ઓમાન, ફિઝી, દક્ષિણ આફ્રિકા, ટ્યુનેશિયા, રવાન્ડા, ઝીમ્બાબ્વે, નામીબિયા, મોઝામ્બિક, રશિયા, સાઇપ્રસ, કોલંબિયા, કઝાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મ્યાંમાર, કિર્ગિસ્તાન, ક્યૂબા, વેનેઝુએલામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ દેશો પૈકી મોટા ભાગના દેશો કોરોનાની બીજી લહેર સામે ઝઝુમી રહ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે. આ દેશોમાંથી મોટા ભાગના દેશોની આવક મધ્યમ કે ઓછી છે, એ સંજોગોમાં ત્યાં પૂરતી સારવાર વ્યવસ્થા નહીં હોવાને કારણે લોકો ઇલાજના અભાવે મૃત્યુ પામી રહ્યા છે.
હાલમાં જ્યાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળ આવ્યો છે, એ દેશોમાંથી મોટા ભાગના દેશોમાં રસીકરણ સાવ ઓછી ઝડપે થઇ રહ્યું છે. ક્યુબામાં હજુ 25 ટકા, રશિયામાં 18 ટકા, થાઇલેન્ડમાં 11 ટકા, તો દક્ષિણ આફ્રિકામાં ફક્ત 6 ટકા જ રસીકરણ થયું છે. મતલબ કે મોટા ભાગની વસ્તીમાં કોરોના સામેના એન્ટીબોડી વિકસીત થઇ જ નથી, ત્યારે કોરોનાનું સંક્રમણ ઝડપથી થઇ રહ્યું છે. રોઇટરના કોવિડ ટ્રેકરના મતે દુનિયામાં હજુ 70 દેશ એવા છે, જ્યાં સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. આ પૈકી 19 દેશો એવા છે, જ્યાં સંક્રમણ પીકની સ્થિતિમાં છે. અત્યાર સુધીમાં કોરોનાથી 185024000 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે 4156000 લોકોના કોરોનાથી મોત થયા છે.