2012માં ગુજરાતની ટીમમાં રમતો 19 વર્ષનો એક છોકરો આજે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહ્યો છે. આમ તો અમેરિકા હોય કે બ્રિટન કે કેનેડા ચારેતરફ પટેલની બોલબાલા હોય છે. પટેલો આખી દુનિયામાં ફેલાયેલા છે પણ તેઓ જે તે દેશમાં જઈને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે નડિયાદનો આ પટેલ ભારત માટે રમીને દેશનું નામ રોશન કરી રહ્યો છે.
ગુજરાતે આમ તો આંગળીને વેઢે ગણાય તેટલા જ ક્રિકેટર ભારતને આપ્યા છે પરંતુ આજે સ્થિતિ એ છે ભારતની ટીમમાં ત્રણથી ચાર ગુજરાતી રમતા હોય છે. જસપ્રિત બુમરાહ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યાની સાથે હવે નવું નામ ઉમેરાયું છે અક્ષર પટેલનું. અગાઉ અક્ષરને માત્ર લિમિટેડ ઓવરની ટીમમાં લેવાતો હતો. ટેસ્ટ ટીમમાં આવ્યો તે અગાઉ તે ભારત માટે 38 વન-ડે રમી ચૂક્યો હતો પરંતુ એ 38 વન-ડેમાં તેણે જે સિદ્ધિ હાંસલ કરી ન હતી તે માત્ર બે જ ટેસ્ટમાં કરી નાખી. ચેન્નાઈ ખાતેની પહેલી ટેસ્ટમાં તેણે બીજા દાવમાં પાંચ વિકેટ લીધી હતી અને ભારતને વિજય અપાવવાની સાથે સાથે સિરીઝનો સ્કોર સરભર કરવાની તક પણ અપાવી. ત્યાર બાદ મોટેરામાં તો તે પોતાના હોમગ્રાઉન્ડમાં રમ્યો અને પહેલા જ દિવસે ઇંગ્લેન્ડની છ વિકેટ ખેરવવાની સાથે પ્રવાસી ટીમને પૂરા સવાસો રન પણ કરવા દીધા નહીં.
મોટેરા આમ જોવા જઇએ તો અક્ષરનું હોમગ્રાઉન્ડ કહેવાય નહીં કેમ કે તે મૂળ નડિયાદનો છે. ચરોતરના પટેલ અમદાવાદ નહીં પણ અમેરિકા જાય પણ આ પટેલ મોટેરા પહોંચ્યો છે જે સ્ટેડિયમ પર હવે સમગ્ર વિશ્વની નજર રહેલી છે.
બાળપણથી અક્ષરને ક્રિકેટનો શોખ. તેના પિતા રાજેશભાઈ પણ ઇચ્છે કે અક્ષર મોટો થઈને ક્રિકેટર બને પણ માતાની ઇચ્છા ઓછી હતી કેમ કે તેમને એક માતા તરીકે અન્ય તમામ જનેતાને હોય છે તેવો ડર કે ક્યાંક મારો દિકરો ઘાયલ થઈ જાય નહીં. આમ છતાં તેમણે હિંમત કરીને પુત્રને ક્રિકેટ રમતો કરી દીધો. સામાન્ય રીતે કોચિંગમાં જઈને દિવસે પ્રેક્ટિસ કરનારો અક્ષર રાત્રીના સમયે ટેનિસ બોલથી ફ્લડલાઈટ ક્રિકેટમાં રમવા જાય અને જોરદાર ફટકાબાજી કરે. એ અરસામાં (અને આજે પણ) ટેનિસ બોલ ક્રિકેટમાં રાત્રે ટુર્નામેન્ટ યોજાય અને તેમાં સારા એવા પુરસ્કારની જાહેરાતો થાય. નાનકડો અક્ષર તેનાથી અંજાઈ જાય અને એવી ફટકાબાજી કરે કે એકાદ ઇનામ તો ઘરે લઈને આવે. પણ આ પ્રયાસમાં તે ક્યારે આક્રમક બેટ્સમેન બની ગયો તેની તેને ખબર રહી નહીં. નડિયાદમાં તો તેને નડિયાદનો જયસૂર્યા એવી રીતે ઓળખવામાં આવે કેમ કે તેની બેટિંગ જ શ્રીલંકાના મહાન બેટ્સમેન જયસૂર્યા જેવી હતી. તે પણ શ્રીલંકન ફટકાબાજની માફક ડાબોડી બેટિંગ કરતો હતો.
આજે સ્થિતિ એ છે કે નડિયાદમાં સૌથી જાણીતી કિડની હોસ્પિટલથી સામેના માર્ગ પર તમે આગળ વધો ત્યાર બાદ કોઈ પણ સ્થાનિક વ્યક્તિને પૂછો એટલે તેઓ તમને અક્ષર પટેલનું ઘર બતાવી દે. નડિયાદના જુનિયર ક્રિકેટરમાં તો તે એટલો લોકપ્રિય છે કે એ છોકરડાઓ તો તેનું ઘર નહીં એસયુવી ગાડીનો નંબર પણ તમને કહી દેશે.
આમ તો અક્ષર પટેલ માત્ર બેટ્સમેન જ હતો પરંતુ અંડર-19ના દિવસોમાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ગયો જ્યાં ભારતના ભૂતપૂર્વ સ્પિનર એમ. વેંકટરામન્ના અને હાલના પસંદગીકાર સુનીલ જોશીએ તેનામાં રહેલી બોલિંગની આવડત પારખીને તેને લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ કરવા પ્રેરણા આપી. વર્તમાન ક્રિકેટમાં લિમિટેડ ઓવરનું પ્રમાણ વધારે છે અને આ સંજોગોમાં સ્પિનર રન રોકવા માટે બોલિંગ કરતા જોવા મળે છે. બિશનસિંઘ બેદી કે વેંકટપથી રાજુની માફક તેઓ બેટ્સમેનને લલચાવીને સિક્સર ફટકારવા ઉશ્કેરવાનું જોખમ લઈ શકતા નથી. આથી બોલર તેના બોલને ફ્લાઇટ કે લુપ આપવાનું પસંદ કરે નહીં. અક્ષર પણ આમ જ કરતો હતો. આ ઉપરાંત તે બોલને ફ્લાઇટ આપવા જાય તો ફુલટોસ બની જતો હતો. આવા સંજોગોમાં તે વધારે ફ્લેટ બોલિંગ કરવા લાગ્યો પણ સમય જતાં તેણે રિયલ સ્પિનરની આવડત કેળવી લીધી.
2023-14માં તેને ગુજરાતની રણજી ટીમમાં રમવાની તક મળી અને એ જ અરસામાં આઇપીએલમાં તે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ માટે રમતો થઈ ગયો. ત્યાર બાદ 2018માં તો તે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં રમતો થઈ ગયો. ઇંગ્લેન્ડના વર્તમાન બેટ્સમેન સામે અક્ષર આસાનીથી બોલિંગ કરી શકે છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે આમાંના કેટલાક ખેલાડી સામે તે કાઉન્ટીમાં રમી ચૂકયો છે.
ઘણી વાર વિવેચકો લખતા હતા કે અક્ષર પટેલ માત્ર વન-ડેનો જ ખેલાડી છે અને તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખાસ સફળ રહી શકતો નથી. આ પ્રકારની ટીકાથી પરેશાન અક્ષરે એક વાર દેખાડી દીધું કે તે બોલિંગમાં કેવો પાવરધો છે. ગુજરાતની ટીમ તેના હોમગ્રાઉન્ડ નડિયાદમાં આંધ્ર સામે રમી રહી હતી. બરાબર એક વર્ષ અગાઉ 2020ના ફેબ્રુઆરી મહિનામાં આ મેચ રમાઈ હતી. ગુજરાતને આ મેચ જીતવી જરૂરી હતી અને કેપ્ટન પાર્થિવ પટેલ પાસે બે લેફ્ટ આર્મ સ્પિનર હતા. અક્ષર ઉપરાંત ટીમમાં નવોદિત સિદ્ધાર્થ દેસાઈ હતો. પ્રથમ દાવમાં અક્ષરે ત્રણ વિકેટ લીધી અને બીજા દાવમાં તો તે વધારે ઘાતક બની ગયો. બીજા દાવમાં તેણે સાત વિકેટ ઝડપીને ગુજરાતને શાનદાર વિજય અપાવી દીધો. આમ તેણે મેચમાં દસ વિકેટ ખેરવીને પુરવાર કરી દીધું કે તે માત્ર વન-ડેનો જ બોલર નથી.
– સિદ્ધાર્થ ત્રિવેદી