આંધ્રપ્રદેશના તિરુપતિમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ ગુરુવારે 2022-23 માટેનું બજેટ રજૂ કર્યું. તિરુમાલાના પ્રાચીન ભગવાન વેંકટેશ્વર મંદિરના ગવર્નિંગ બોર્ડે 2022-23ના વાર્ષિક બજેટમાં 3,096.40 કરોડ રૂપિયાની આવકનો અંદાજ મૂક્યો છે.
બજેટ બેઠકમાં આગામી 12 મહિનાની નાણાકીય યોજનાની સમીક્ષા કર્યા પછી, TTD બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડી અને એક્ઝિક્યુટિવ ઓફિસર કેએસ જવાહર રેડ્ડીએ મીડિયાને જણાવ્યું કે બોર્ડે વાર્ષિક બજેટને મંજૂરી આપી છે.
મંદિરની વાર્ષિક આવકમાંથી આશરે રૂ. 1,000 કરોડ ભક્તો દ્વારા પવિત્ર ‘હુન્ડી’ (દાન-પાટ)માં આવવાનો અંદાજ છે. રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં થાપણો પર લગભગ રૂ. 668.5 કરોડનું વ્યાજ મળશે.તેમજ વિવિધ ટિકિટના વેચાણમાંથી રૂ. 362 કરોડ અને ‘લાડુ પ્રસાદમ’ના વેચાણમાંથી રૂ. 365 કરોડ મળવાનો અંદાજ બજેટમાં છે.
આ સિવાય ટીટીડીને આવાસ અને મેરેજ હોલના ભાડામાંથી રૂ. 95 કરોડ અને ભક્તો દ્વારા ઓફર કરાયેલા વાળના વેચાણમાંથી રૂ. 126 કરોડ મળવાની અપેક્ષા છે. તે જ સમયે, વિવિધ સેવાઓ પર બોર્ડનો ખર્ચ પણ 1,360 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે.