ગુજરાતના બે મોટા શહેરો સુરત અને રાજકોટમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ગંભીર બની ચુકી છે. સુરતમાં સોમવારે પણ 1800 કેસ અને 25ના મોત નોંધાયા હતા. હવે આ પરિસ્થિતિમાં છેલ્લાં 15 દિવસથી દવા, ઈન્જેકશન તથા બેડની સુવિધા ઓછી પડી રહી હતી. આ સ્થિતિને જેમ તેમ થાળે પાડવા તંત્ર પ્રયાસો કરી રહ્યું હતુ. ત્યાં હવે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત ઉભી થતાં દર્દીઓને માથે નવી આફત આવી છે. સોમવારે મહારાષ્ટ્રની લિન્ડે કંપની દ્વારા સુરતને સપ્લાય કરવામાં આવતા ઓક્સિજનના જથ્થાને મોકલવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ સુરતની ચિંતા વધી ગઈ હતી. સંભવિત પરિસ્થિતિમાં અઘટીત ઘટનાના ડરે ખાનગી તબીબોએ કલેકટરને સમગ્ર સ્થિતિની લેખિતમાં આવેદન આપીને જાણ કરી હતી.
આ સાથે જ તબીબોના સંગઠને પોલીસ કમિશનરને પણ લેખીત જાણ કરીને ઓક્સિજનની અછત સમયે હોસ્પિટલમાં કોઈપણ ઘટના ઘટે તો તેમના જાનમાલને જોખમ હોવા વિશે તાકીદ કરી હતી. સુરતમાં ઓક્સિજનની સપ્લાય મહારાષ્ટ્રની લિન્ડે કંપની દ્વારા કરવામાં આવે છે. પણ એકાએક આ કંપની દ્વારા સુરતને પૂરો પાડતા ઓક્સિજનનો પુરવઠો અટકાવી દેવાયો છે. સુરતમાં અંદાજિત 4000 જેટલાં દર્દીઓ ઓક્સિજન પર છે. કેટલીક હોસ્પિટલે નવા દર્દી દાખલ કરવાનું બંધ કરી દીધું છે. સુરતમાં 250 ટન સામે 220 ટન ઓક્સિજનનો પુરવઠો મળી રહ્યો હતો. ખાનગી હોસ્પિટલને 150 ટન ઓક્સિજનની જરૂર છે. અને બે દિવસથી 160-170 ટન ઓક્સિજન મળી રહ્યો હતો. હાલમાં કોરોના સંક્રમણને કારણે ઓક્સિજનની ભારે માગ છે. ત્યારે ઓક્સિજનનો જથ્થો બંધ કરી દેવાતા હજારો લોકોને જીવનું જોખમ ઉભુ થયું છે. બીજી તરફ મહારાષ્ટ્રની કંપની દ્વારા બંધ કરાયેલા ઓક્સિજન સપ્લાયને ફરી શરૂ કરાવવા માટે રાજ્ય સરકારે પ્રયાસો શરૂ કર્યા હતા. આ મામલે રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્ર સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.