પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને જોરદાર ટક્કર આપવાની વ્યૂહ રચનાના ભાગરુપે ભાજપે સાંસદો અને મંત્રીઓને ચૂંટણીજંગના મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી ભાજપના બે સાંસદ નિશિથ પ્રમાણિક અને જગન્નાથ સરકારે વિધાનસભાની દીનહાટા અને શાંતિપુર બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. જો કે, હવે તેઓ કોઈ એક પદ પણ જ રહી શકે તેમ છે. તેથી આ બંને નેતાઓએ બંગાળમાં ધારાસભ્ય તરીકેથી પાર્ટીની સૂચના અનુસાર રાજીનામું આપી દીધું છે. બુધવારે નિશિથ પ્રમાણિક અને જગન્નાથ સરકારે તેમના રાજીનામાપત્રો બંગાળ વિધાનસભાના સ્પીકર બિમન બેનર્જીને સુપરત કર્યા હતા. રાજીનામું આપ્યા બાદ નિશિથ પ્રમાણિકે મીડિયા સમક્ષ કહ્યું હતુ કે, અમે પાર્ટીના આદેશ પ્રમાણે ચૂંટણી લડ્યા હતા અને તેમાં વિજય મેળવ્યો હતો. હવે બંધારણ મુજબ આપણે ત્યાં કોઈ એક વ્યક્તિ એક જ પદ ઉપર રહી શકે તેમ છે. તેથી પાર્ટીએ અમને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવા આદેશ કર્યો છે. જેનું પાલન કરતા અમોએ આ રાજીનામું આપ્યું છે.
અમારે અમારી વિધાનસભા બેઠકો પરથી રાજીનામું આપવું જોઈએ તેવો નિર્ણય પાર્ટીએ ચર્ચા વિચારણા કરીને લીધો છે. ભાજપના આ નેતા ભલે ગેમે તે કહે પરંતુ હકીકત જુદી છે. બંગાળ ચૂંટણી જીતવા માટે આ વખતે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતુ. ભાજપે બંગાળના ચાર સાંસદોને આ વખતે વિધાનસભાની ટીકીટ આપીને ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા હતા. આ ચાર પૈકી બે સાંસદ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. વિજેતા ઉમેદવારોમાં કૂચ બિહારના નિશિથ પ્રમાણિક અને રાણાઘાટનાં સાંસદ જગન્નાથ સરકારનો સમાવેશ થાય છે. જો આ બંને સાંસદો સાંસદ પદેથી રાજીનામું આપે તો લોકસભાની બે બેઠકો ખાલી થતાં તેના માટે ચૂંટણી યોજાય. જેમાં બંગાળની બે બેઠકો પર ભાજપને જીતવુ મુશ્કેલ થઈ જાય તેમ છે. કારણ કે, હાલમાં જ બંગાળમાં મમતા બેનર્જીએ ભાજપને જોરદાર ટક્કર આપીને ભવ્ય વિજય મેળવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટા વિજયની આશા હતી. પરંતુ તેને માત્ર 76 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.