લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ઘરે જઈ રહેલા ત્રણ યુવકોને કાળ ભેટી ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. કમભાગી આ ત્રણેય યુવાનો બાઈક ઉપર ત્રિપલ સવારી ઘોરાજીથી નીકળ્યા હતા. આ દરમિયાન વંથલી ગામ પાસે જ ટ્રકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, જુનાગઢ જિલ્લાના વંથલી ગામના ત્રણ મુસ્લિમ યુવકો સોમવારે ધોરાજી ખાતે પોતાના સગાને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં પહોંચ્યા હતા. જયાં તેઓએ હાજરી આપી હતી.
લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ ત્રણેય યુવકો બાઇક ઉપર સવાર થઇને ધોરાજીથી જુનાગઢ તરફ જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અજાણી ટ્રકના ચાલકે તેમની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ત્રણેય યુવકોને ગંભીર ઈજા થતાં ત્રણેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ત્રણેય યુવકોના માથા છૂંદાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા ત્રણેય યુવાનોની ઓળખ થઈ હતી. જેમાં મુસ્તાક મીયા સૈયદ, ફેઝલભાઇ બસીરભાઇ રંગોનીયા, સોહિલ મહમદ હનીફ મટારી તરીકે ત્રણેય યુવકો ઓળખાયા હતા. આ ઉપરાંત તે ત્રણેય યુવકો વંથલી ગામના જ રહેવાસી હોવાનું બહાર આવ્યું હતુ, આખરે ઘટનાની જાણ વંથલી ખાતે કરાતા ગામમાં શોકની કાલિમા પ્રસરી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધી અજાણ્યા ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે.